ઝારખંડના હવામાનમાં પલટોઃ રાંચી સહિત અનેક જિલ્લામાં વરસ્યો વરસાદ, કરા પડશે

રાંચીઃ દેશના અમુક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે, જેમાં ઝારખંડમાં વરસાદી માહોલનું નિર્માણ થયું છે. ઝારખંડની રાજધાની રાંચી સહિત અનેક શહેરોમાં ગુરુવારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ઠંડીમાં વધારો થયો હતો. હવામાન વિભાગે ઝારખંડમાં કરા પડવાની આગાહી કરવામાં આવી છે. કરા પડવાથી પાકને નુકસાન થશે જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા.
હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે આજે સવારે ઝારખંડના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જ્યારે રાજ્યના કેટલાક સ્થળો પર કરા પડવાની ચેતવણી જાહેર કરાઇ છે.
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાની રાંચી, ખૂંટી, સિમડેગા, પૂર્વ સિંહભૂમ, સરાયકેલા-ખરસાવાં અને પશ્ચિમ સિંહભૂમમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. આજે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં રાંચીમાં 11.6 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે સરાયકેલામાં 23.5 મીમી, સિમડેગામાં 10.5 મીમી, લોહરદગામાં 7.5 મીમી અને બોકારોમાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો.
રાંચી હવામાન કેન્દ્રના પ્રભારી અભિષેક આનંદે જણાવ્યું હતું કે, આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે ઝારખંડના ઘણા ભાગોમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા, વીજળી અને વરસાદ પડ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ સિંહભૂમ, પશ્ચિમ સિંહભૂમ અને સરાયકેલા-ખરસાંવા સહિતના પૂર્વીય ભાગોમાં કરા પડવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.