ઘૂસણખોરોને કારણે સંથાલ પરગણામાં આદિવાસી વસ્તી ઘટી રહી છે: વડા પ્રધાન
ડુમકા (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઝારખંડની જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા)ના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે સંથાલ પરગણામાં આદિવાસીઓની વસ્તી ઘટી રહી છે કેમ કે ઘૂસણખોરી વધી રહી છે. ઘૂસણખોરોને આશ્રય આપી રહેલી રાજ્ય સરકારને કારણે આ લોકો લેન્ડ ગ્રેબિંગ કરી રહ્યા છે અને મહિલાઓની સુરક્ષા જોખમમાં આવી છે.
ઝારખંડના ડુમકામાં પ્રચાર રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે જેએમએમ અને કૉંગ્રેસ આડેધડ લૂંટ ચલાવી રહી છે અને તેમણે એવી શપથ લીધી હતી કે ચોથી જૂન બાદ ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે.
ઝારખંડ પર એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને તે ઘૂસણખોરોનું છે. સંથાલ પરગણાને ઘૂસણખોરોના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં આદિવાસીઓની વસ્તી ઝડપથી ઘટી રહી છે. ઘૂસણખોરો આદિવાસી જમીનો પર કબજો કરી રહ્યા છે. આદિવાસીઓની દીકરીઓ તેમના નિશાન પર છે. તેમની સુરક્ષા અને સલામતી સામે સંકટ છે. તેમના જીવન પર પણ સંકટ છે, એમ મોદીએ કહ્યું હતું.
આ પણ વાંચો : ઈન્ડી ગઠબંધન બંધારણ નવેસરથી લખશે અને ધર્મને આધારે આરક્ષણ આપશે: વડા પ્રધાન મોદી
2022માં બનેલા બે બનાવોનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું હતું કે આદિવાસી દીકરીઓને 50 ટુકડામાં કાપી નાખવામાં આવે છે, તેમને જીવતી સળગાવી દેવામાં આવે છે, કોઈની જીભ ખેંચી નાખવામાં આવે છે. આ ક્યા લોકો છે જે આદિવાસી દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે? જેએમએમની સરકાર કેમ તેમને આશરો આપી રહી છે?
વડા પ્રધાને એવો દાવો કર્યો હતો કે લવ જિહાદની શરૂઆત ઝારખંડથી થઈ હતી.
જેએમએમ પર કોમવાદી રાજકારણ કરવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે બ્રિટિશ કાળથી રવિવારનો દિવસ રજાનો હોવા છતાં ફક્ત ઝારખંડના એક જિલ્લામાં તેને બદલીને શુક્રવાર કરી નાખવામાં આવ્યો છે. રવિવાર હિંદુઓ સાથે સંકળાયેલો નથી, પરંતુ ખ્રિસ્તી સમાજ સાથે સંકળાયેલો છે અને 200-300 વર્ષોથી રજા છે. હવે તેઓ ખ્રિસ્તીઓ સાથે પણ લડી રહ્યા છે, એમ મોદીએ કહ્યું હતું. (પીટીઆઈ)