Jharkhand Election: બીજા તબક્કામાં 67 ટકાથી વધુ મતદાનઃ એક્ઝિટ પોલ શું કહે છે?
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને આજે બીજા તબક્કાનું મતદાન સરેરાશ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું, જેમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 67.59 જેટલું મતદાન થયું છે. પ્રથમ તબક્કાનું મતદાન 13 નવેમ્બરનાં રોજ થયું હતું. 23 નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામો જાહેર થવાનું છે. દરમિયાન, ઝારખંડમાં ત્રણ મોટી પાર્ટીઓ વચ્ચે સ્પર્ધા છે. અહીં ઝારખંડ મુક્તિ મોરચા, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે મુકાબલો છે. ઝામુમો-કોંગ્રેસ અને રાજદ સાથે મળીને ગઠબંધનમાં સરકાર બનાવવાની કવાયત હાથ ધરી શકે છે, જ્યારે સામે પક્ષ ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર બનાવવા માટે ટક્કર છે. અંતિમ તબક્કામાં આજે મુખ્ય પ્રધાન હેમંત સોરેન, એમની પત્ની કલ્પના સોરેન સહિત વિપક્ષના નેતા અમર કુમાર બાઉરી (ભાજપ) સિવાય 500થી વધુ ઉમેદવાર મેદાનમાં છે.
5 વાગ્યા સુધીમાં 67.59 ટકા મતદાન
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે 12 જિલ્લાની 38 બેઠક પર પૂર્ણ થયું છે, જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 67.59 ટકા મતદાન થયું છે. ભારતના ચૂંટણી પંચ (ECI) મુજબ, જામતારામાં સૌથી વધુ 76.16 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારબાદ પાકુરમાં 75.88 ટકા અને દેવઘરમાં 72.46 ટકા મતદાન થયું હતું. બોકારોમાં સૌથી ઓછું 60.97 ટકા મતદાન નોંધાયું હતું.
અન્ય બેઠકો પર કેટલું થયું મતદાન?
જ્યારે ધનબાદમાં 63.39 ટકા, દુમકામાં 71.74 ટકા, ગિરિડીહમાં 65.89 ટકા, ગોડ્ડામાં 67.24 ટકા, હજારીબાગમાં 64.41 ટકા, રામગઢમાં 71.98 ટકા અને સાહેબગંજમાં 6.53 ટકા મતદાન થયું હતું. રાજ્યની રાજધાની રાંચીમાં સાંજે 5 વાગ્યા સુધી 72.01 ટકા મતદાન નોંધાયું હતું.
આ પણ વાંચો : By Election: 4 રાજ્યોની 15 વિધાનસભા બેઠકો અને મહારાષ્ટ્રની આ લોકસભા બેઠક પર આજે મતદાન
શું કહી રહ્યા છે એક્ઝિટ પોલ?
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે હાથ ધરવામાં આવેલા મેટ્રિક એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી NDAની સરકાર ઝારખંડમાં બની શકે છે. એનડીએ ગઠબંધનને રાજ્યમાં 42થી 47 બેઠકો મળી શકે છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 25 થી 30 સીટ મળી શકે છે.