ઝારખંડના મંત્રી આલમગીરને ઝટકોઃ છ દિવસના ઇડીના રિમાન્ડ પર મોકલ્યા
રાંચીઃ ઝારખંડના મંત્રી અને કોંગ્રેસ નેતા આલમગીર આલમને કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ ગુરુવારે રાંચીની વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે મંત્રી આલમગીર આલમને છ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. ભારતના એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કુમારે કહ્યું કે અમે 10 દિવસના ઇડી રિમાન્ડની માંગણી કરી હતી.
કોર્ટે તેમને 6 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. નોંધનીય છે કે ઇડીએ આલમના અંગત સચિવ સંજીવ કુમાર લાલ અને નોકર જહાંગીર આલમના ઘરે દરોડા પાડ્યા હતા અને આલમના નામના ફ્લેટમાંથી કુલ 32.2 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આ કેસમાં કુલ 37.5 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.
ઇડીના અધિકારીએ જણાવ્યું હતું કે, દિવસની શરૂઆતમાં મંત્રીને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાંચીની પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. બુધવારે એજન્સીની ઓફિસમાં ઇડીએ છ કલાકની પૂછપરછ બાદ આલમની ધરપકડ કરી હતી.
મંગળવારે ઇડીએ તેમની નવ કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. આલમ ઝારખંડ વિધાનસભામાં પાકુર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.