Jharkhand Land Scam: ઝારખંડ જમીન કૌભાંડ કેસમાં EDએ JMM નેતા સહિત ચાર લોકોની ધરપકડ કરી

રાંચી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત ઝારખંડ જમીન કૌભાંડ સાથે જોડાયેલા કેસ (Jharkhand Land Scam Case)માં મોટી કાર્યવાહી કરી છે. EDએ આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા અંતુ તિર્કીનો પણ સમાવેશ થાય છે.
EDએ તિર્કી ઉપરાંત પ્રિયરંજન સહાય, રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિપિન સિંહ અને ઇર્શાદની ધરપકડ કરી છે. મંગળવારે અંતુ તિર્કીના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ મોડી રાત્રે રાંચીમાં ED ઓફિસમાં લાવવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ જાન્યુઆરીમાં ઝારખંડ જમીન કૌભાંડ કેસમાં ED ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ કરી હતી. સોરેન સામેના રાંચીમાં 8.86 એકર જમીન સંપાદન સંબંધિત કેસની ED તપાસ કરી રહી છે. EDનો આરોપ છે કે હેમંત સોરેને આ જમીન ગેરકાયદેસર રીતે પોતાના નામે કરી છે. આ કેસમાં ઘણા નેતાઓ અને અધિકારીઓના સંડોવાયેલા હોવાની આશંકા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. EDએ પૂછપરછ બાદ લોકોની ધરપકડ પણ કરી છે.
મંગળવારે 16 એપ્રિલના રોજ EDએ કૌભાંડની તપાસના સંબંધમાં અન્ય એક શખ્સની પણ ધરપકડ કરી હતી. અહેવાલો મુજબ આ વ્યક્તિની ઓળખ અફશર અલી તરીકે થઈ હતી, જે મની લોન્ડરિંગ કેસમાં પહેલાથી જ જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ છે.
કોર્ટની પરવાનગી બાદ EDએ નવા કેસમાં અફશરની ધરપકડ કરી છે. અફશર અલી પર હેમંત સોરેન અને રેવન્યુ વિભાગના પૂર્વ સબ ઈન્સ્પેક્ટર ભાનુ પ્રતાપ પ્રસાદ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં મુખ્ય આરોપી સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે.