ઝારખંડની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી: રાજનાથ સિંહ
દુમકા (ઝારખંડ): જેએમએમના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો અને લોકોનું શોષણ કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે સત્તાધારી ગઠબંધનને રાજ્યના લોકો પર કરવામાં આવેલા અત્યાચારની સજા આપવામાં આવશે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે અથાક કામ કર્યું છે અને દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખાની બહાર કાઢવાનું ચમત્કારી કાર્ય કર્યું છે. જ્યારે અગાઉના વડા પ્રધાનો જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ ગરીબી હટાવવાના પોકળ વાયદા કર્યા હતા.
ભ્રષ્ટ જેએમએમના નેતૃત્વ હેઠળનું ગઠબંધન નિર્દોષ લોકોનું લોહી ચૂસી રહી છે અને તેમને દગો આપી રહી છે. ભાજપ ઈન્સાફ અને ઈન્સાનિયત (ન્યાય અને માનવતા)ના રાજકારણમાં વિશ્ર્વાસ રાખે છે. જેએમએમના નેતૃત્વ હેઠળના ગઠબંધનને લોકો પરના અત્યાચાર બદલ સજા આપવામાં આવશે એમ સિંહે ઝારખંડના દુમકામાં આયોજિત પ્રચાર રેલીમાં કહ્યું હતું.
કેન્દ્રમાં મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ભારત વૈશ્ર્વિક આર્થિક સમૃદ્ધિના માનાંકમાં 11મા સ્થાને રહ્યું હતું. જ્યારે ભાજપના કાર્યકાળમાં દેશ પાંચમા સ્થાન પર પહોંચી ગયું છે, એમ પણ તેમણે કહ્યું હતું.
હવે આગામી દિવસોમાં અમેરિકા અને ચીન પછી ભારત વિશ્ર્વનો ત્રીજો સૌથી સમૃદ્ધ દેશ હશે, એમ કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું.
ભાજપના ઉમેદવાર સીતા સોરેનને મતદાન કરવાની અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે લોકોનું આરક્ષણ છીનવી લેવાની કોઈને તક આપવામાં આવશે નહીં.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને ઝારખંડનું ગૌરવ અત્યારે દાવ પર લગાડી દીધું છે અને ભાજપના નિશાન કમળને મત આપીને આ સ્થિતિનો બદલો લેવાની અપીલ રાજનાથ સિંહે કરી હતી.
રાજનાથ સિંહે પોતાના ભાષણ દરમિયાન સીતા સોરેનનો ઉલ્લેખ કરતી વખતે ભૂલમાં કારાવાસ ભોગવી રહેલા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનનો ઉલ્લેખ કર્યો હતો. હેમંત સોરેનની ભાભી સીતા સોરેન જામામાંથી જેએમએમના વિધાનસભ્ય હતા અને લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા હતા અને તેઓ જેએમએમના નલીન સોરેનની સામે ચૂંટણી લડી રહ્યા છે. (પીટીઆઈ)