
રાંચી: હેમંત સોરેનને રાજીનામું આપ્યા બાદ મુખ્ય પ્રધાન બનેલા ચંપાઈ સોરેને 5 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો હતો. 11 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને વોટિંગ કરાવવામાં આવ્યું જેમાં હેમંત સોરેનની તરફેણમાં 47 મત પડ્યા હતા. જ્યારે તેની વિરુદ્ધમાં 29 મત પડ્યા હતા. નોંધનીય છે કે ઝારખંડમાં 81 સીટો છે, કોઈપણ એક પાર્ટીને સરકાર બનાવવા માટે 41 ધારાસભ્યોની જરૂર છે.
ચંપઈ સોરેને 2 ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા અને બહુમત સાબિત કરવા માટે 5 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. તેમણે આજે વિશ્વાસ મત રજૂ કર્યો અને ત્યાર બાદ ચર્ચા શરૂ થઈ. ચંપઈ સોરેને ચર્ચા શરૂ કરી અને ભાજપ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. અને પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું હતું કે હું ગર્વથી કહું છું કે હું હેમંત સોરેનનો પાર્ટ-2 છું. હેમંત બાબૂ છે તો આમારામાં હિંમત છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભાજપે સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે. અને અમે તેમાં ભાજપને નિષ્ફળ કરી છે. સોરેને એમ પણ કહ્યું હતું કે ભાજપ હેમંત સોરેનને ખોટા કેસોમાં ફસાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે.
ત્યારબાદ હેમંત સોરેને કેન્દ્ર સરકાર, રાજ્યપાલ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ભાજપને પડકાર આપું છું કે મારા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરે, જો આરોપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ એટલું જ નહીં પરંતુ હું ઝારખંડ છોડી દઈશ. નોંધનીય છે કે હેમંત સોરેન ED કસ્ટડીમાં વિધાનસભા પહોંચ્યા હતા અને વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો હતો. તેણે દાવો કર્યો હતો કે EDના અધિકારીઓએ તેમને વિધાનસભામાં ભાષણ આપતા પણ રોક્યા હતા.
જ્યારે ભાજપના નેતા અમર કુમાર બૌરીએ ઝારખંડ વિધાનસભામાં કહ્યું હતું કે ભાજપે પહેલીવાર હેમંત સોરેનને ધારાસભ્યથી ઉપમુખ્ય પ્રધાન બનાવવાનું કામ કર્યું હતું. જો ભાજપની સરકાર ન હોત તો સરકાર આટલો લાંબો સમય ટકી ન હોત. કોંગ્રેસ ક્યારેય નથી ઈચ્છતી કે અહીંના લોકોનું ભલું થાય. ઝારખંડને ભાજપ દ્વારા જ બનાવવામાં આવ્યું હતું.