ભાજપ દ્વારા ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર: ચંપાઈ સોરેન સહિતનો સમાવેશ…

રાંચી: ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીને ધનવાર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના નેતા ચંપાઈ સોરેન સરાઈકેલા વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર હશે.
આ પણ વાંચો : ભાજપ માટે ઝારખંડમાં જીત શક્ય, મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ
12 મહિલાઓને ટિકિટ:
ભાજપે પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની પત્ની ગીતા કોડાને જગન્નાથપુર અને સીતા સોરેનને જામતાડાથી ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે 66 ઉમેદવારોની પ્રથમ યાદીમાં 12 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપ ઝારખંડમાં એનડીએ સાથી પક્ષો સાથે ચૂંટણી લડી રહી છે, ગયા શુક્રવારે બેઠકોની વહેંચણી અંગે એનડીએની બેઠક યોજાઈ હતી. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 68 સીટો પર ચૂંટણી લડશે, જ્યારે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) 10 સીટો પર, જનતા દળ (JDU) બે સીટો પર અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એક સીટ પર નસીબ અજમાવશે.
આ પણ વાંચો : ભાજપને ચૂંટણી જાહેરાતની માહિતી ગઈ કાલે જ મળી ગઈ હતી! ઝારખંડના નેતાનો દાવો
ઝારખંડની 81 સીટો પર બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 43 વિધાનસભા બેઠકો પર 13 નવેમ્બરે મતદાન થશે જ્યારે અન્ય 38 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્ર વિધાનસભા અને પેટાચૂંટણીની સાથે 23 નવેમ્બરે મતગણતરી થશે. ઝારખંડમાં પ્રથમ તબક્કા હેઠળ 43 વિધાનસભા બેઠકો પર ચૂંટણી માટે શુક્રવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.