
નવી દિલ્હી : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને(Hemant Soren) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હેમંત સોરેનના જામીન અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના જામીનના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા હેમંત સોરેનને આપવામાં આવેલ જામીન સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. EDએ ઝારખંડ હાઈકોર્ટના જામીનના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટનો આદેશ સારો નિર્ણય છે. ન્યાયાધીશે તાર્કિક ચુકાદો આપ્યો છે. અમને ઓર્ડરમાં દખલ કરવામાં રસ નથી. જોકે, હાઈકોર્ટની ટિપ્પણીની ટ્રાયલ પર કોઈ અસર થશે નહીં.
4 જુલાઈએ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
ઝારખંડ મુક્તિ મોરચા નેતા સોરેનની 31 જાન્યુઆરીએ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા જ હેમંત સોરેને ઝારખંડના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ સોરેને 4 જુલાઈએ ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
હાઈકોર્ટે જામીન આપતાં શું કહ્યું?
સોરેનને જામીન આપતી વખતે ઝારખંડ હાઈકોર્ટે કહ્યું હતું કે આ કેસને જોતાં, અરજદાર આ પ્રકારનો ગુનો કરે તેવી કોઈ શક્યતા નથી. સોરેનની જામીન અરજીનો વિરોધ કરતા, EDએ આરોપ લગાવ્યો હતો કે તેણે રાજ્યની રાજધાનીમાં બડગામ વિસ્તારમાં 8.86 એકર જમીન ગેરકાયદેસર રીતે હસ્તગત કરવા માટે મુખ્યમંત્રી તરીકેના તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
EDએ ગંભીર આક્ષેપો કર્યા હતા
EDએ દાવો કર્યો હતો કે તપાસ દરમિયાન, સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદે સ્વીકાર્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને તેમને આ પ્લોટની માલિકી બદલવા માટે સત્તાવાર ડેટા સાથે ચેડા કરવાની સૂચના આપી હતી. EDએ કહ્યું હતું કે, જ્યારે પ્લોટ પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તેના મૂળ માલિક રાજકુમાર પાહને ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.