12 માસૂમોના મોત પાછળ કોની ભૂલ? તપાસ માટે ટીમ ઝાંસીની મેડિકલ કોલેજમાં પહોંચી
ઝાંસી: મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના સ્પેશિયલ ન્યુબોર્ન ઈન્ટેન્સિવ કેર યુનિટ (SNCU)માં શુક્રવારે લાગેલી આગમાં 12 માસુમોના મોત (Jhansi hospital fire accident) થયા હતાં, જેને કારણે લોકોમાં રોષની લાગણી છે. આ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શોધવા લખનઉથી ચાર સભ્યોની ટીમ સોમવારે તપાસ માટે પહોંચી હતી. ટીમે લગભગ 35 મિનિટ સુધી SNCUની તપાસ કરી હતી.
ટીમે લગભગ સાડા પાંચ કલાક સુધી, છ મૃત શિશુના સંબંધીઓ સહિત 20 ડોકટરો અને નર્સિંગ સ્ટાફના નિવેદનો નોંધ્યા. ટીમ આજે મંગળવારે પણ તપાસ કરશે, ટીમે સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવાનો છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા 12 પર પહોંચી ગઈ છે. મેડિકલ કોલેજમાં દાખલ ત્રણ બાળકો હજુ પણ ગંભીર છે.
આ કારણે આગ લાગી હોઈ શકે છે:
ટીમનું નેતૃત્વ કરી રહેલા મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગના મહાનિર્દેશક ડૉ. કિંજલ સિંહે આગનું કારણ શોર્ટ સર્કિટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પહેલા એક્સ્ટેંશન કોર્ડમાં આગ લાગી હતી. આ પછી નજીકના વેન્ટિલેટરમાં પણ આગ લાગવાને કારણે આ ઘટના બની હતી.
સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ ટીમે સૌપ્રથમ SNCUનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી સભ્યો વોર્ડ નંબર પાંચમાં બનેલા 10 બેડના SNCU વોર્ડમાં પહોંચ્યા હતા. અહીં તેમણે દાખલ બાળકોના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તપાસ ટીમે પહેલા કુલ 20 ડોકટરો અને નર્સિંગ સ્ટાફની પૂછપરછ કરી, જેમાં આગ દરમિયાન તૈનાત નવ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ પછી, મૃત નવજાત શિશુના સંબંધીઓ પાસેથી ઘટનાની માહિતી લેવામાં આવી હતી.
વીજળી વિભાગની ટીમ પણ તપાસ કરશે:
શોર્ટ સર્કિટનું કારણ જાણવા માટે વીજળી વિભાગની ટીમ પણ તપાસ કરશે. વિજળી વિભાગના નિષ્ણાંતો પણ ટીમની સાથે હશે, ક્ષમતા કરતા વધુ લોડ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઇન્સ્ટોલ કરેલ ઇલેક્ટ્રિકલ સાધનોની ક્ષમતા અને ગુણવત્તા યોગ્ય હતી કે કેમ. શોર્ટ સર્કિટના કારણે અચાનક વોલ્ટેજમાં વધારો થયો હતો કે કેમ તે પણ તપાસવામાં આવશે.
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ બાદ સરકારે રાજ્યની હોસ્પિટલોની સુરક્ષાને લઈને કડક પગલાં લીધા છે. નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે દરેક હોસ્પિટલનું નવેસરથી ફાયર સેફ્ટી ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. તમામ હોસ્પિટલોને સુરક્ષાને લગતા 20 મુદ્દાઓ પર ચેકલિસ્ટ તૈયાર કરવા અને જવાબ આપવા સૂચના આપવામાં આવી છે