નેશનલ

ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત

લખનઊઃ દેશભરમાં જ્યારે દેવ દીવાળીની ધૂમ ચાલી રહી હતી ત્યારે ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં આ પર્વ માતમમાં બદલાઇ ગયું હતું. અહીં શુક્રવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 10 બાળકોના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે શિશુ વોર્ડની બારી તોડીને અનેક બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આગની ઘટના બાદ મેડિકલ કોલેજમાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. હૉસ્પિટલમાં ઠેર ઠેર રોતી કકળતી માતાઓ, નવજાત શિશુને હાથમાં લઈને ભાગતા ડોકટરો, કેટલાકના મૃતદેહો અને બીજાના અડધા બળેલા મૃતદેહો… જોઇને બધાની કંપારી છૂટી ગઇ હતી. આ ઘટનાથી અનેક ઘરોના દીપક ઓલવાઈ ગયા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે 10.45 વાગ્યાની આસપાસ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. વોર્ડમાં ધુમાડો નીકળતો જોઈ લોકોએ એલાર્મ વગાડ્યો હતો, પરંતુ કોઈ કંઈ સમજે તે પહેલા આગ ફેલાઈ ગઈ હતી. મોટાભાગના બાળકો ધુમાડા અને દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

આગને કારણે હોસ્પિટલ પરિસરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આગમાં 16 શિશુ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. આગ લાગવાની માહિતી મળતા જ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. રાજ્યના સીએમ યોગીએ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને પ્રિન્સિપલ સેક્રેટરીને તુરંત ઝાંસી મોકલ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક, DIG અને ફાયર બ્રિગેડની ટીમો સહિત પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર હાજર થઇ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં 10 બાળકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાંથી 7 બાળકોની ઓળખ થઈ છે, જ્યારે 3 બાળકોની ઓળખ થઈ શકી નથી.

Also Read – ઉત્તરાખંડ કાર અકસ્માતમાં છ યુવાનનાં મોત અંગે હવે પોલીસે આપ્યું નિવેદન

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાને “હૃદયદ્રાવક” ગણાવી હતી અને ઘાયલ શિશુઓને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. સોશિયલ મીડિયાપર તેમણે લખ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે મૃતકોની આત્માને શાંતિ મળે અને ઘાયલ શિશુઓ ઝડપથી સાજા થાય. સીએમ યોગીએ ઝાંસીના કમિશનર અને ડીઆઈજીને અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. આ અધિકારીઓએ 12 કલાકમાં પોતાનો રિપોર્ટ આપવાનો રહેશે. મુખ્ય પ્રધાને આ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા નવજાત બાળકોના માતા-પિતાને 5 લાખ રૂપિયાની સહાય અને મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી ઘાયલ બાળકોના પરિવારને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં જાહેરાત કરી છે.

નોંધનીય છે કે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજ બુંદેલખંડની સૌથી મોટી હોસ્પિટલ છે. આ વિસ્તારના અનેક જિલ્લાઓમાંથી લોકો અહીં સારવાર માટે આવે છે. ઝાંસી મેડિકલ કોલેજમાં સારવાર માટે આવતા બાળકોની ઉંમર એક દિવસથી એક વર્ષની હોવાનું કહેવાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button