જેટ એરવેઝના સ્થાપકની ₹ ૫૩૮ કરોડની મિલકતને ટાંચ મરાઈ
નવી દિલ્હી: કથિત બૅન્ક લોન છેતરપિંડીના કેસના સંદર્ભમાં મની લૉન્ડરિંગની તપાસના ભાગરૂપે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીના એસેટ્સ પર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ટાંચ મારી છે.
આરોપીઓના લંડન, દુબઈ અને ભારતમાંની ૫૩૮ કરોડ મૂલ્યની સંપત્તિ પર ટાંચ મૂકવામાં આવી છે તેવું ઈડીએ બુધવારે કહ્યું હતું. રહેણાકના ૧૭ ફલેટ, બંગલા અને કમર્શિયલ પ્રિમાઈસીસ વિગેરે સંપત્તિ પર ટાંચ મૂકવામાં આવી છે. લંડન, દુબઈ અને ભારતમાંના વિવિધ શહેરોમાંની સંપત્તિ જેટએર પ્રાઈવેટ લિમિટેડ, જેટ એન્ટરપ્રાઈઝિસ પ્રાઈવેટ લિમિટેડ, ગોયલ, ગોયલના પત્ની અનિતા અને પુત્ર નિવાનના નામમાં હતી તેવું ઈડીએ એક નિવેદનમાં કહ્યું હતું.ગોયલની ઈડીએ પહેલી સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. મુંબઈની વિશેષ પીએમએલએ (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એકટ) કોર્ટમાં ઈડીએ મંગળવારે ગોયલ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી.