બિહારમાં વાડજ ચીભડાં ગળતા પકડાઈ! ; સત્તાધારી જેડીયુનો નેતા કરતો હતો દારૂનો ગેરકાયદે વેપાર…
બિહારમાં દારૂ કાંડમાં જીવ ગુમાવતા લોકોનો વિવાદ વારંવાર વકરતો રહે છે. તેવામાં એક આંચકાદાયક સમાચારમાં પોલીસે પડેલા દરોડામાં સત્તાધારી જેડીયુનો એક નેતા પકડાતા રાજકારણ ગરમાયું છે. પોલીસના દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ પકડાયો છે. નોંધનીય છે કે આ ઘટના બિહારમાં મુખ્યપ્રધાન નીતીશ કુમારના ગૃહ જિલ્લા નાલંદામાં બની છે.
આ પણ વાંચો : Biharના પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
નાલંદા જિલ્લાના બિહાર થાણા પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે પડેલા દરોડામાં અમવેર વળાંક પાસે રૂપિયા ૨ લાખ ૮૮ હજારની રોકડ અને ૨૯૨ વિદેશી દારૂની બાટલીઓ જપ્ત કરવામાં આવી છે. આ દરોડાની ઘટનામાં જેડીયુ વિભાગ અધ્યક્ષ સીતારામ પ્રસાદ સહીત ૧૪ લોકોની ધરપકડ થઇ છે.
બિહાર પોલીસ સ્ટેશનના પ્રભારી સમ્રાટ દીપકના જણાવ્યા અનુસાર મધુસુધન પ્રસાદ નામક વ્યક્તિના ઘરે જુગાર રમતો હોવાની બાતમીના આધારે પડેલા દરોડામાં પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને રોકડ જપ્ત કરી છે. આ સમગ્ર ઘટનામાં હજી અન્ય લોકોના શામેલ હોવાની શંકા સેવાઈ રહી છે. દરમિયાન જેડીયુના નેતાનું નામ આ મામલે સંડોવાયેલું હોવાની વાત ફેલાતા, રાજકીય માહોલમાં પણ ગરમી આવી ગઈ છે.