નેશનલ

પંડિત નેહરુની ‘આદિવાસી પત્નીનું મૃત્યુ

આખી જિંદગી બહિષ્કારનું કલંક ઝેલ્યું

રાંચીઃ ભારતના દિવંગત વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ‘આદિવાસી પત્ની’ તરીકે ઓળખાતી બુધની માંઝિયાનું નિધન થયું છે. તેમના મૃત્યુ બાદ થોડા વર્ષો પહેલા બનેલી એક ઘટના ફરી એકવાર સમાચારમાં આવી છે. પંડિત નેહરુના એક કૃત્યને કારણે, બુધની માંઝિયાને આદિવાસી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવી હતી અને તેમણે આખી જિંદગી બહિષ્કારનું કલંક ઝેલ્યું હતું.

બુધની છેલ્લા 64 વર્ષથી પોતાની જાતિ અને સમાજમાંથી બહિષ્કારનો સામનો કરી રહી હતી. 6 ડિસેમ્બર 1959માં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુએ દામોદર વેલી કોર્પોરેશનના પંચેટ ડેમ અને હાઇડલ પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે તેમણે બંધના નિર્માણ દરમિયાન મજૂર તરીકે કામ કરનાર બુધનીનું સન્માન કર્યું હતું. તે સમયે બુધનીની ઉંમર લગભગ 15 વર્ષની હતી.


પરંપરાગત આદિવાસી પોશાક અને ઝવેરાતમાં સજ્જ બુધનીએ પંડિત નેહરુનું સ્વાગત કર્યું અને તેમને માળા પહેરાવી હતી. પંડિત નેહરુએ બુધનીને માન આપતાં તેમની માળા ઉતારી અને બુધનીના ગળામાં પહેરાવી દીધી હતી. પંડિત નેહરુએ બુધનીના હાથે એક બટન દબાવીને હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

પંચેટ ડેમના ઉદ્ઘાટન વખતે પં. નેહરુએ બુધનીને જે માળા પહેરાવી હતી તે તેમના માટે જીવનભરની પીડા બની હતી. વાસ્તવમાં, સંથાલ આદિવાસીઓમાં, સ્ત્રી અથવા છોકરીને માળા પહેરાવનાર પુરુષ સાથે તેના લગ્ન થયા અમ માનીને તેને સ્ત્રીનો પતિ ગણવામાં આવતો હતો. તે સમયે સમાજની બહાર લગ્ન કરનાર સ્ત્રીનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવતો હતો. આદિવાસી સમુદાય તત્કાલીન પીએમ નેહરુના પુષ્પમાળાને લગ્ન માનતો હતો.


સમુદાયની બહારના બિન-આદિવાસી સાથે ‘લગ્ન’ કરવા બદલ બુધની માંઝિયાને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવી હતી. તેના ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ હતો.

સંથાલ સમાજે પંચાયત બોલાવી અને જાહેરાત કરી કે બુધની નેહરુ સાથે લગ્ન કર્યા છે. તેથી તે આખી જીંદગી નેહરુની પત્ની ગણાશે. નેહરુ સંથાલ-આદિવાસી સમુદાયની બહારના વ્યક્તિ હોવાથી, બુધનીનો સંથાલ સમુદાય સાથે કોઈ સંબંધ નહીં હોય. પંચાયતની જાહેરાત બાદ ઘર, પરિવાર અને સમાજમાં બુધની માટે કોઈ સ્થાન ન હતું.


બુધનીને ડીવીસીમાં મજૂર તરીકે નોકરી મળી હતી, પરંતુ 1962માં આદિવાસી સમુદાયના આંદોલન અને વિરોધને કારણે ડીવીસીએ તેમને હટાવ્યા હતા. આ પછી તે કામની શોધમાં બંગાળના પુરુલિયા જિલ્લામાં ગઇ. ત્યાં તેની મુલાકાત સુધીર દત્તા નામના વ્યક્તિ સાથે થઈ. બંને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા.


બુધનીને દત્તાથી રત્ના નામે એક પુત્રી પણ હતી. 1985માં, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે પ. બંગાળમાં આસનસોલ ગયા, ત્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાએ તેમનો પરિચય બુધની સાથે કરાવ્યો અને તેમણે તેમની અગ્નિપરીક્ષાનું વર્ણન કર્યું. આ પછી બુધનીને ડીવીસીમાં પાછી નોકરી મળી, જ્યાંથી તે 2005માં નિવૃત્ત થઈ હતી.

થોડા દિવસો પહેલા તેમની તબિયત બગડતાં તેમને અહીંની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર સાંભળીને વિસ્તારના પ્રમુખ અને અનેક પ્રતિષ્ઠિત લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની અંતિમ ક્ષણોમાં તેમની પુત્રી રત્ના પણ તેમની સાથે હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button