જંતરમંતર પર હવે જુનિયર કુસ્તીબાજોના ધરણાં: બજરંગ-સાક્ષી-વિનેશ સામે કારકિર્દી બગાડવાનો આરોપ
નવી દિલ્હી: દિલ્હીના જંતરમંતર ખાતે ફરી એકવાર ધરણાં પ્રદર્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. સેંકડો જુનિયર કુસ્તીબાજો એકઠા થઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આ વખતે બ્રિજભૂષણ શરણ સિંહ સામે નહિ, પણ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સામે.
ઉત્તરપ્રદેશ, દિલ્હી, હરિયાણાના અલગ અલગ અખાડામાંથી તાલીમ લઇને આવેલા અને સ્પર્ધાઓની રાહ જોઇ રહેલા જુનિયર કુસ્તીબાજોનું કહેવું છે કે વર્ષ 2023ની શરૂઆતમાં જંતરમંતરમાં બજરંગ પુનિયા-સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજોએ જે ધરણા-પ્રદર્શન કર્યું હતું તેને કારણે કુસ્તીની સ્પર્ધાઓ, તાલીમના કાર્યક્રમો વગેરે સ્થગિત થઇ ગયા હતા.
જાન્યુઆરી 2023થી દેશભરમાં જે કુસ્તીના કાર્યક્રમો આયોજીત થવાના હતા તે સ્થગિત થવાને પગલે જુનિયર ખેલાડીઓની કારકિર્દીમાં વિક્ષેપ પડ્યો છે. હાલમાં યોજાયેલી કુસ્તીસંઘની ચૂંટણી બાદ નવનિયુક્ત અધ્યક્ષ સહિત આખેઆખી પેનલને રમતગમત મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધી હતી. એ પછી હવે કુસ્તીસંઘને લગતા તમામ નિર્ણયો લેવાની સત્તા એડહોક કમિટીને સોંપી દેવામાં આવી છે. જો કે નિયમિતપણે જે કુસ્તીના કાર્યક્રમો યોજાતા હતા તે હવે યોજાશે કે કેમ તેના વિશે કોઇ નિર્ણય લેવાયો નથી. આમ એક આખું વર્ષ બગડ્યું હોવાનો આરોપ મુકી જુનિયર કુસ્તીબાજો કુસ્તીસંઘનું એ જ જૂનું તંત્ર ફરી રીતે ગોઠવાય તેવી માગ કરી રહ્યા છે.
આશરે 100થી વધુ જુનિયર ખેલાડીઓ બસમાં બેસીને જંતરમંતર પહોંચ્યા હતા. આર્ય સમાજ અખાડા, વિરેન્દર કુસ્તી એકેડમીમાંથી આવેલા કુસ્તીબાજોએ કુસ્તીના ટોચના ખેલાડીઓ બજરંગ-સાક્ષી-વિનેશ સામે નારેબાજી કરી બે
નરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દેશને ગૌરવ અપાવનારી રમતનું ભવિષ્ય જોખમમાં છે.
બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે વર્ષ 2023ની શરૂઆતમાં કુસ્તીસંઘના તત્કાલિન અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની ફરિયાદ કરી તેમના વિરુદ્ધ પગલા લેવાની માગ સાથે જંતરમંતર ખાતે ધરણાં-પ્રદર્શન કર્યું હતું. કુસ્તીબાજોના પ્રદર્શનને રાજકીય રંગ લાગતા આખા વર્ષ દરમિયાન આ મુદ્દો સતત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો. આખરે વર્ષના અંતે કુસ્તીસંઘને જ બરખાસ્ત કરી રમતગમત મંત્રાલયે હાલપૂરતી તમામ સત્તાઓ એડહોક કમિટીને સોંપી દીધી છે.