પ્રધાનમંત્રી જનધન યોજનાના 10 કરોડ ખાતા છે ઠપ, જાણો કેમ?

નવી દિલ્હી: પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કુલ 51.11 કરોડ બેંક ખાતાઓમાંથી 10.34 કરોડ બેંક ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે, જે કુલ જનધન ખાતાના 20 ટકા છે. આ 10 કરોડથી વધુ નોન-ઓપરેટિવ જન ધન ખાતાઓમાં 2 વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર કરવામાં આવ્યો નથી, એમ નાણા પ્રધાન ભાગવત કરાડે સંસદમાં આ માહિતી આપી હતી.
રાજ્યસભાના સાંસદ જયંત ચૌધરીએ નાણા પ્રધાન પાસે પીએમ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની માહિતી માગતા પૂછ્યું હતું કે જે ખતાધરકો ક્યાં છે તેની કઈ ખબર નથી અને કેટલાક ખાતાઓ બંધ જ થઇ ગયા છે. આ તમામ ખતાઓનું શું થયું? આ પ્રશ્નનો જવાબ આપતાં નાણા રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે બેંકો પાસેથી 6 ડિસેમ્બર 2023 સુધીના મળેલા ડેટા મુજબ સુધી પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કુલ 51.11 કરોડ ખાતામાંથી 20 ટકા ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે.
તેમજ 10.23 કરોડ બિન-ઓપરેટિવ પીએમ જન ધન ખાતા છે જેમાંથી 4.93 કરોડ બેંક ખાતા મહિલાઓના છે. જેમાં લગભગ રૂ. 12,779 કરોડ નોન-ઓપરેટિવ જન ધન બેંક ખાતાઓમાં જમા છે, જે પીએમ જન ધન ખાતાઓમાં જમા થયેલી કુલ રકમના 6.12 ટકા છે.
આ ઉપરાંત નાણા રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે નોન-ઓપરેટિવ જનધન ખાતામાં જમા રકમ પર તે જ રીતે વ્યાજ આપવામાં આવે છે જે રીતે ઓપરેટિવ બેંક ખાતા પર આપવામાં આવે છે. અને ખાતાધારકો અથવા થાપણદારો ખાતું કાર્યરત થયા પછી ગમે ત્યારે તેમના પૈસા ઉપાડી શકે છે. બેંકો હાલમાં બિન-ઓપરેટિવ ખાતાઓની સંખ્યા ઘટાડવા માટે સતત કામ કરી રહી છે અને સરકાર તેના પર સતત નજર રાખી રહી છે. બેંકો સ્થાનિક સ્તરે કેમ્પનું આયોજન કરતી રહે છે જેથી લોકોને તેમના ખાતા સક્રિય રાખવાના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવે. બેંકોના આ પ્રયાસને કારણે માર્ચ 2017માં નોન-ઓપરેટિવ બેંક ખાતાઓની સંખ્યા 40 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગઈ છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના છે .
નોંધનીય છે કે 2014માં મોદી સરકાર બન્યા બાદ આ યોજના પહેલી યોજના હતી. જેમાં આ યોજના હેઠળ કુલ 51.11 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 208637 કરોડ રૂપિયા જમા થયા છે.