ઝારખંડના જમશેદપુર ઝૂમાં 10 કાળીયારના રહસ્યમય મોત, પ્રકાશમાં આવ્યું આ કારણ

જમશેદપુર : ઝારખંડના જમશેદપુરમાં આવેલા ટાટા સ્ટીલ ઝૂઓલોજિકલ પાર્કમાં છેલ્લા છ દિવસમાં 10 કાળીયારના રહસ્યમય મોત થયા છે. જેના પગલે ઝૂ ઓથોરીટીની ચિંતામાં વધારો થયો છે. તેમજ કાળીયારના મૃત્યુ અંગે હજુ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. નિષ્ણાતોને આશંકા છે કે તે કાળીયારના મોત હેમોરેજિક સેપ્ટિસેમિયા (HS)નામનો ચેપથી થયા છે. જેની બાદ રાંચીના બિરસા બાયોલોજિકલ પાર્કને પણ સાવચેતીના પગલા લેવા સુચના આપવામાં આવી છે.
1 ડિસેમ્બરના રોજ પ્રથમ કાળીયારનું મોત થયું
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 1 ડિસેમ્બરના રોજ પ્રથમ કાળીયારનું મોત થયું હતું. તેની બાદ સતત કાળીયારના મૃત્યુ થઈ રહ્યા છે. જેના લીધે ઝૂ અધિકારીઓ અને ડોકટરો સતત તેના કારણની તપાસ કરી રહ્યા છે. ટાટા સ્ટીલ ઝૂઓલોજિકલ પાર્કના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. નઈમ અખ્તરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પાર્કમાં દસ કાળિયાર મૃત્યુ પામ્યા છે. કાળા હરણના મૃતદેહને તપાસ માટે અને મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે રાંચી વેટરનરી કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. તેમજ આ મોત બેક્ટેરિયલ ચેપને કારણે થયું હોય તેવું લાગે છે.
આ પણ વાંચો : વિકાસની વાસ્તવિકતાઃ અમદાવાદમાં મુંબઈથી પણ ઓછી ખુલ્લી જાહેર જગ્યા
હેમોરેજિક સેપ્ટિસેમિયા હોવાની શંકા
આ દરમિયાન રાંચી વેટરનરી કોલેજના વેટરનરી પેથોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રજ્ઞા લાકરાએ જણાવ્યું હતું કે શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, તે હેમોરેજિક સેપ્ટિસેમિયા હોવાની શંકા છે. જે પેસ્ટ્યુરેલા જાતિના બેક્ટેરિયાથી થતો રોગ છે. તેને પેસ્ટ્યુરેલોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.



