જમ્મુ-કાશ્મીરમાં કેટલા આતંકી છે સક્રિય? આ વર્ષે ઠાર કર્યાં 61
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે આતંકી સક્રિય થયા છે. છેલ્લા થોડા દિવસમાં બનેલી ઘટના પરથી આ સાબિત થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓને સ્થાનિક સમર્થન ઓછું મળી રહ્યું છે અને તેમની સામે ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરમાં 119 આતંકવાદી સક્રિય છે, જેમાંથી મોટા ભાગના પાકિસ્તાની છે. આ પૈકી 79 કાશ્મીરમાં, 40 આતંકી જમ્મુમાં છે. કાશ્મીરમાં 18 અને જમ્મુમાં 6 આતંકી સ્થાનિક છે, આ સિવાયના તમામ આતંકી પાકિસ્તાનના છે.
આ વર્ષે 61 આતંકી ઠાર
સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 25 આતંકવાદી હુમલાઓની ઘટનાઓ બની છે. આ ઘટનામાં 24 જવાન શહીદ થયા છે, જ્યારે ગત વર્ષે 27 જવાન શહીદ થયા હતા. આ વર્ષે 61 આતંકી ઠાર કરવામાં આવ્યા છે, જેમાંથી 21 પાકિસ્તાની હતા.
પાકિસ્તાનમાં અભણ યુવાનોને ટ્રેનિંગ આપીને બનાવાય છે આતંકી
મળતી જાણકારી મુજબ પાકિસ્તાન ગરીબ અને અભણ યુવાનોનો આતંકવાદી ગતિવિધિ માટે ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાની એસએસજી અને આઈએસઆઈ અભણ યુવાનોને આતંકી બનાવીને ભારતમાં ઘૂસણખોરી કરાવે છે. વિવિધ એપ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના અભણ યુવાનોને આતંકી બનાવવા માટે ઉશ્કેરવામાં આવે છે. પાકિસ્તાન આવા યુવકોને આતંકી ટ્રેનિંગ આપીને ગમે તેમ કરીને ભારતમાં ઘૂસણખોરી કરાવે છે. આવા યુવાનોને 10-15 હજાર રૂપિયા માસિક વેતન પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો : J&K: શ્રીનગરમાં સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ એટેક, 12 નાગરિક જખમી
આતંકવાદીઓને શોધવા માટે વિશેષ સર્ચ અભિયાન ચલાવાય છે
લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિંદ્ર કુમારે જમ્મુની મુલાકાત લઈ સૈન્ય પરિચાલનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે સુરક્ષાદળોને આતંકી સામે સતર્કતાની સાથે અભિયાન ઝડપી બનાવવાની સૂચના આપી હતી. છેલ્લા એક સપ્તાહથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેમની આ મુલાકાત સૂચક માનવામાં આવે છે. આતંકીઓનો શોધવા સેના દ્વારા વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. તે પાછળનું કારણ પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા આતંકી છે. ભારતીય સેના સતત આતંકીઓને ઠાર કરી રહી છે