
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે આતંકી મુઝમ્મિલ બાદ આ ષડયંત્રમાં સામેલ લેડી ડોક્ટર શાહીનની પણ ધરપકડ કરી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ધરપકડ કરેલી મહિલા ડૉક્ટરનું નામ શાહીન શાહિદ છે. તે લખનૌના લાલ બાગની રહેવાસી છે. ફરીદાબાદમાં જે ડૉક્ટરના ઘરેથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. તેણે આ મહિલાની કારનો ઉપયોગ કર્યો હતો. આ મહિલાની કારમાંથી એક રાઇફલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
આતંકી મુઝમ્મિલના તાર એક લેડી ડોક્ટર સાથે પણ જોડાયેલા
જમ્મુ કાશ્મીર પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે, આતંકી મુઝમ્મિલના તાર એક લેડી ડોક્ટર સાથે પણ જોડાયેલા છે. આતંકી મુઝમ્મિલ જે કાર ચલાવતો હતો, તે કાર આ લેડી ડોક્ટરની છે. જમ્મુ-કાશ્મીર પોલીસ લેડી ડોક્ટરની પૂછપરછ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, એક કાશ્મીરી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને તેની ભાડાની રહેણાંક જગ્યા પરથી આશરે 360 કિલોગ્રામ વિસ્ફોટકો જે એમોનિયમ નાઈટ્રેટ હોવાની શંકા છે તેમજ મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો.
ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન
આ ઓપરેશન ફરીદાબાદ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ મુઝમ્મિલ શકીલ તરીકે થઈ છે, જે અલ ફલાહ યુનિવર્સિટીમાં શિક્ષક છે. આ યુનિવર્સિટી હરિયાણાના ધોજ ખાતે આવેલી છે અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત છે.
આતંકી મુઝમ્મિલ એક મકાનમાં ભાડેથી રહેતો હતો
આતંકી મુઝમ્મિલ એક મકાનમાં ભાડેથી રહેતો હતો. આજે સોમવારે, પોલીસે તેની પૂછપરછના આધારે રૂમમાંથી 360 કિલોગ્રામ વિસ્ફોટકો જે એમોનિયમ નાઈટ્રેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે તે મળી આવ્યો હતો. આ ઉપરાંત, એક કેનનકાપ રાઇફલ, પાંચ મેગેઝીન, એક પિસ્તોલ, અને મોટી માત્રામાં કારતૂસ મળી આવ્યા છે. આઠ મોટા સૂટકેસ, ચાર નાના સૂટકેસ, ડોલ (બાલ્ટી), ટાઇમર બેટરી સાથે, રિમોટ, વોકી-ટોકી સેટ, ઇલેક્ટ્રિક વાયર સહિતનો અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
શ્રીનગરના નૌગામમાં જૈશ-એ-મોહમ્મદના પોસ્ટરો ચોંટાડેલા જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના ક્રમમાં 19 થી 27 ઓક્ટોબર દરમિયાન શ્રીનગરના નૌગામ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના પોસ્ટરો ચોંટાડેલા જોવા મળ્યા. આ પોસ્ટરો સુરક્ષા દળોને ધમકી આપતા હતા. સીસીટીવી ફૂટેજમાં ડૉ. આદિલ જોવા મળ્યો હતો. શ્રીનગર પોલીસે UAPA હેઠળ કેસ નોંધ્યો હતો, અને 6 નવેમ્બરના રોજ ડૉ. આદિલની ધરપકડ કરવામાં આવી હતી, અને તેના લોકરમાંથી એક AK-47 બંદૂક મળી આવી હતી. પૂછપરછ દરમિયાન, તેણે તેના સાથીઓના નામ જાહેર કર્યા હતા. ત્યારબાદ, પોલીસે સતત દરોડા પાડ્યા હતા અને વધુ લોકોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો…ટેરર એટેક?: ફરિદાબાદમાં બે અલગ અલગ જગ્યાથી 2,900 કિલો વિસ્ફોટકો પકડાયા, બે ડોક્ટર સહિત સાત પકડાયાં…



