દેશમાં વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલના પર્દાફાશ બાદ જમ્મુ કાશ્મીરમાં બે સંસ્થાઓ પર તપાસ શરુ

શ્રીનગર: દિલ્હીમાં વિસ્ફોટ બાદ પ્રકાશમાં આવેલા વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. જેના તાર જમ્મુ કાશ્મીર સુધી પહોંચ્યા છે. જેના પગલે જમ્મુ કાશ્મીર પોલીસે અનેક સંસ્થાઓ વિરુદ્ધ સઘન તપાસ શરુ કરી છે. તેમજ અનેક શંકાસ્પદ સંસ્થાઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેમાં બારામુલ્લામાં પોલીસે બે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કથિત કરચોરીની તપાસ શરૂ કરી છે.
હોસ્પિટલ લોકર, કાર ડીલરો, હાર્ડવેર અને ખાતર ડીલરોની તપાસ કરી
જેમાં પોલીસે હોસ્પિટલ લોકર, કાર ડીલરો, હાર્ડવેર અને ખાતર ડીલરોની તપાસ કરી છે. જયારે બારામુલ્લા પોલીસે હવે બે શૈક્ષણિક ટ્રસ્ટો અલ હુડા એજ્યુકેશનલ ટ્રસ્ટ અને ઇદારાહ ફલ્લાહ-ઉ-દારૈન સોસાયટીમાં કરચોરી અને વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ (FCRA) ના ઉલ્લંઘન સહિત કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ શરૂ કરી છે.
નાણાકીય અને પ્રવૃત્તિઓની પ્રારંભિક તપાસ શરૂ કરી
પોલીસે અલ હુડા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની નાણાકીય અને પ્રવૃત્તિઓની પ્રારંભિક તપાસ શરૂ કરી છે. નિયમનકારી અને નાણાકીય પાલન ધોરણોના સંભવિત ઉલ્લંઘનો તેમજ સરકારી જમીન પર અતિક્રમણ અંગે માહિતી મળ્યા બાદ 24 નવેમ્બરના રોજ તપાસ શરુ કરવામાં આવી છે.
ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે UAPA હેઠળ કેસ દાખલ
આ ઉપરાંત કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે UAPA હેઠળ અન્ય એક સંસ્થા, ઇદારાહ ફલ્લાહ-ઉ-દારૈન સોસાયટી સામે એક અલગ કેસ નોંધવામાં આવ્યો છે. બારામુલા પોલીસ સ્ટેશનમાં આ સોસાયટી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.આ બે સંસ્થાઓમાં નિયમનકારી ધોરણોના સંભવિત ઉલ્લંઘન અંગેના ઇનપુટ્સ બાદ બારામુલા પોલીસે આ તપાસ શરૂ કરી હતી.
જેમાં તપાસ કથિત કરચોરી અને FCRAમાં અનિયમિતતાઓ અંગેની છે. આ ઉપરાંત એક સંસ્થાની ઇમારત યોગ્ય પરવાનગી વિના સરકારી જમીન પર બનાવવામાં આવી હતી. આ ટ્રસ્ટોમાંથી હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. જયારે કેટલાક ઇલેક્ટ્રોનિક ગેઝેટસ તપાસ માટે જપ્ત કરવામાં આવ્યા છે.



