અમરનાથ યાત્રા માટે ઉત્સાહ, અત્યાર સુધી 70,000 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલા બાદ 3 જુલાઇથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જેમાં છેલ્લા ચાર દિવસમાં 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી હતી. જ્યારે સોમવારે 8,605 શ્રદ્ધાળુઓ કાશ્મીર ખીણ માટે રવાના થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 70 હજાર લોકોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. જેમાં રવિવારે 21,512 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. આ ઉપરાંત, સોમવારે બે સુરક્ષા કાફલામાં જમ્મુના ભગવતી નગર યાત્રા નિવાસથી 8,605 શ્રદ્ધાળુઓ કાશ્મીર ખીણ માટે રવાના થયા હતા.
શ્રદ્ધાળુઓ સીધા બાલતાલ અને પહલગામ પહોંચી રહ્યા છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ કાફલો 3,486 શ્રદ્ધાળુઓ સાથે ઉત્તર કાશ્મીરના બાલતાલ બેઝ કેમ્પ જઈ રહ્યો છે. જ્યારે બીજો કાફલો 5,119 શ્રદ્ધાળુઓ સાથે દક્ષિણ કાશ્મીરના નુનવાન (પહલગામ) બેઝ કેમ્પ જઈ રહ્યો છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુમાં ભગવતી નગર યાત્રા નિવાસની મુલાકાત લેતા યાત્રાળુઓ ઉપરાંત યાત્રામાં જોડાવા માટે સ્થળ પર નોંધણી માટે ઘણા શ્રદ્ધાળુઓ સીધા બાલતાલ અને નુનવાન (પહલગામ) પહોંચી રહ્યા છે.
આપણ વાંચો: ગોપાલ ખેમકા હત્યા કેસ: એક આરોપી એનકાઉન્ટરમાં માર્યો ગયો, માસ્ટરમાઇન્ડની ધરપકડ
સીએપીએફની 180 વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી
અમરનાથ યાત્રાની સુરક્ષા માટે સેના, બીએસએફ, સીઆરપીએફ, એસએસબી અને સ્થાનિક પોલીસની હાલની તાકાત વધારવા માટે સીએપીએફની 180 વધારાની કંપનીઓ લાવવામાં આવી છે. સમગ્ર રૂટ સુરક્ષા દળો દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ ભૂતકાળની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલાથી કાશ્મીરીઓ દુઃખી છે તે સંદેશ આપવા માટે, સ્થાનિક લોકોએ પ્રથમ બેચના યાત્રાળુઓનું સ્વાગત કર્યું. યાત્રાળુઓ નૌગામ ટનલ પાર કરીને કાઝીગુંડથી કાશ્મીર ખીણમાં પ્રવેશતાની સાથે જ સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.