જમ્મુ કાશ્મીરના ડોડામાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત 17 ઘાયલ

ડોડા : જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે એક વાહન ખીણમાં પડી જતાં પાંચ લોકોના મોત થયા હતા. જયારે 17 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોંડા નજીક ડોડા-ભરત રોડ પર એક વળાંક પર ટેમ્પો ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આ અકસ્માત થયો હતો.
ઘાયલોને સારવાર માટે સરકારી મેડિકલ કોલેજ લઈ જવાયા
આ અકસ્માત ડોડા-ભારત રોડ પર થયો હતો. તેની જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને સારવાર માટે ડોડા સરકારી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા છે.
અકસ્માત સમયે વાહનમાં ઘણા મુસાફરો હતા
આ અંગે મળતી માહિતી મુજબ આ માર્ગ અકસ્માત મંગળવારે ડોડા-ભારત રોડ પર પોંડા વિસ્તારમાં થયો હતો. એક ટેમ્પો ટ્રાવેલર વાહન ઊંડી ખીણમાં પડ્યું હતું. આ અકસ્માત સમયે વાહનમાં ઘણા મુસાફરો હતા. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ મોહમ્મદ અશરફ (35), મંગતા વાની (51), અત્તા મોહમ્મદ (33), તાલિબ હુસૈન (35) અને રફીકા બેગમ (60) તરીકે થઈ છે.
આ વાહન ખીણમાં પડતાની સાથે જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.તેની બાદમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ ત્યાં પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શોક વ્યક્ત કર્યો
આ દુર્ઘટના પર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, ડોડામાં થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાનથી હું દુઃખી છું. આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો….જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ