જમ્મુ અને કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ કર્યા PM મોદીના વખાણ, કહી આ વાત

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઇવીએમ મુદ્દે કોંગ્રેસ સહિત અનેક પક્ષોને આડે હાથે લીધા બાદ આજે ફરી એક વાર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે સોનમર્ગ ઝેડ-મોર ટનલ કાર્યક્રમમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો. તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી અને રાજ્યમાં યોજાયેલી ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું
જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યું ત્યારે તેમણે જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે ત્રણ મહત્વપૂર્ણ બાબતો શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાષણમાં દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટાડવાની વાત કરી હતી. આ વાત ખરેખર સાચી સાબિત થઈ છે. ફક્ત 15 દિવસમાં આ બીજી ઘટના બની રહી છે. આ પહેલા જમ્મુને રેલ્વે ડિવીઝન આપવામાં આવ્યું તેમજ આજે પ્રધાનમંત્રીએ શ્રીનગરમાં ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું.
Also read: ફ્રી રેવડી કલ્ચર ચૂંટણી સુધી જ? પંજાબ, તેલંગણાની સરકારોએ કેમ લીધો યુ-ટર્ન?
મતદાન મથક પર ગોટાળા કે ગડબડની કોઈ ફરિયાદ મળી ન હતી
પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના લોકોને વચન આપ્યું હતું કે રાજ્યમાં ચૂંટણીઓ યોજાશે અને લોકોને તેમની સરકાર પસંદ કરવાનો અધિકાર મળશે. તેમણે આ વચન ચાર મહિનામાં પૂર્ણ કર્યું. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓ યોજાઈ હતી અને કોઈપણ મતદાન મથક પર ગોટાળા કે ગડબડની કોઈ ફરિયાદ મળી ન હતી. જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કહ્યું કે તમે આટલી ઠંડીમાં પણ અમારી વચ્ચે આવ્યા અને નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. હવામાન ઠંડુ હોઈ શકે છે પરંતુ આપણા હૃદયમાં હૂંફની કોઈ કમી નથી. અમને આશા છે કે તમે વારંવાર જમ્મુ અને કાશ્મીર આવશો અને વિકાસની આ યાત્રામાં અમારી સાથે રહેશો.