શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir) પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ બ્રાન્ચ (CIK) એ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા નવા આતંકવાદી સંગઠન વિરુદ્ધ દરોડા પાડ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન એલઈટીની શાખા ગણાતા આ જૂથને ખતમ કરવા માટે મંગળવારે ઘાટીના અનેક જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સીઆઈકેએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું અને શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામા સહિત ઘણા જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન નવા આતંકી સંગઠનના રિક્રુટમેન્ટ મોડ્યુલને નષ્ટ કરી દેવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું માનવામાં આવેલું આ નવું જૂથ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા સંચાલિત છે. આ પાકિસ્તાની આતંકવાદી તેના ઉર્ફે ‘બાબા હમાસ’થી ઓળખાય છે. તેમણે કહ્યું કે CIK અધિકારીઓ દ્વારા દરોડા હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં આ અંગે કેટલીક વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે રવિવારે ગાંદરબલમાં શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર ટનલ નિર્માણ સ્થળ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં એક ડોક્ટર અને 6 મજૂરોના મોત થયા હતા.
આ પણ વાંચો…..યુપીના બુલંદશહેરમાં સિલિન્ડર Blast, ત્રણ મહિલા સહિત 6 લોકોના મોત
ગાંદરબલ હુમલામાં 2 વિદેશી આતંકવાદીઓ સામેલ હતા
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે ગાંદરબલ હુમલામાં 2 વિદેશી આતંકવાદીઓ સામેલ હતા. આ આતંકીઓએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા વિસ્તારમાંથી ઘૂસણખોરી કરી હોવાની શક્યતા છે. તેમણે કહ્યું કે અજ્ઞાત આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે ગુંડ, ગાંદરબલમાં ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કામદારો અને અન્ય કર્મચારીઓ મોડી સાંજે તેમના કેમ્પમાં પરત ફરી રહ્યા હતા. પોલીસ અને અન્ય સુરક્ષા દળોને આ જઘન્ય કૃત્યના ગુનેગારોને શોધી કાઢવા અને તેમને ખતમ કરવા માટે સૂચના અને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે.