
નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં જમ્મુ કાશ્મીર, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં વહેલી સવારે ભારે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. જેની સીધી અસર જનજીવન પણ પડી રહી છે. તેમજ હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં લધુત્તમ તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમજ આગામી 24 કલાકમાં પહાડી વિસ્તારમાં હળવા વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ પણ આપ્યું છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં આજે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરપૂર્વીય હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સમય દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ઉત્તર પૂર્વ ભારતમાં 28 ડિસેમ્બર સુધી ભારે ઠંડીની આગાહી
આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તરી છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, ઉત્તરી મધ્યપ્રદેશ અને ઉત્તરપૂર્વ ભારતમાં 28 ડિસેમ્બર સુધી ભારે ઠંડી પડશે અને સવાર દરમિયાન ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
આ પણ વાંચો…ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી, જાણો મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય રાજ્યોનું હવામાન…



