
વિશ્વના સૌથી ઊંચા સ્ટીલના આર્ચ બ્રિજ પર ટૂંક સમયમાં ટ્રેનો દોડવા જઈ રહી છે. આ માટે એક ખાસ દિવસ પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. તાજેતરમાં રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનેલા પુલ પર ટ્રેનની સફળ ટ્રાયલ કરવામાં આવી હતી.
15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર આ પુલ પરથી પહેલી ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન સંગલદાનથી રિયાસી વચ્ચે ચલાવવામાં આવશે. સંગલદાનથી રિયાસી વચ્ચે ચાલતી આ ટ્રેન સેવા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો એક ભાગ છે. આ બ્રિજ દુનિયાનો સૌથી ઉંચો સ્ટીલ કમાનાકાર બ્રિજ છે. તેને બનાવવા માટે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેનો ઉપયોગ કરી શકાય તેમ છે.
આ બ્રિજની ઊંચાઈની ખાસ વાત એ છે કે આ પુલ પેરિસના એફિલ ટાવરથી 29 મીટર ઊંચો છે. એફિલ ટાવરની ઊંચાઈ 330 મીટર છે, જ્યારે 1.3 કિલોમીટર લાંબો આ પુલ ચેનાબ નદી પર 359 મીટરની ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે, જે એન્જિનિયરિંગ માર્વેલથી કંઈ કમ નથી. આ પુલ 40 કિલોગ્રામ સુધીના વિસ્ફોટકો અને રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરી શકે તેવો મજબૂત છે. પાકિસ્તાન બોર્ડરથી તેનું હવાઈ અંતર માત્ર 65 કિલોમીટર છે. આ બ્રિજના ઉદઘાટન સાથે કાશ્મીર ખીણ વિસ્તાર દરેક સિઝનમાં રેલ દ્વારા ભારતના અન્ય ભાગો સાથે જોડાઈ જશે.
USBRL પ્રોજેક્ટ 1997માં શરૂ થયો હતો. આ અંતર્ગત 272 કિલોમીટર રેલવે લાઇન નાખવાની હતી. અત્યાર સુધીમાં 209 કિમીની રેલવે લાઈન નાખવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં, રિયાસીથી કટરાને જોડતી 17 કિલોમીટરની લાઇન નાખવામાં આવશે, ત્યારબાદ મુસાફરો જમ્મુના રિયાસીથી કાશ્મીરના બારામુલા સુધી મુસાફરી કરી શકશે.