Jammu Kashmir ના અનેક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શરૂઆત, જુઓ વિડીયો
શ્રીનગર: જમ્મુ- કાશ્મીરના(Jammu Kashmir)મેદાની વિસ્તારોમાં શનિવારથી સતત હિમવર્ષા શરૂ થઈ છે. જેમાં ગુલમર્ગ અને પહેલગામના પર્યટન સ્થળો સહિત કેટલાક ઊંચા વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગના સ્કી રિસોર્ટમાં 5.1 સેમી, પહેલગામમાં 2.8 સેમી અને કુપવાડામાં 2.5 સેમી હિમવર્ષા થઈ હતી.
આ પણ વાંચો: Tourism: જમ્મુ-કાશ્મીરમાં રોપ વેનો કેબલ વાયર તૂટતા સો જેટલા પ્રવાસી ફસાયા…
આગામી ત્રણ દિવસ હિમવર્ષા અને વરસાદની આગાહી
જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં હવામાન સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને છૂટાછવાયા હળવો વરસાદ અને હિમવર્ષા સાથે વાવાઝોડાની શક્યતા રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ૩ ફેબ્રુઆરીની સાંજથી છૂટાછવાયા સ્થળોએ હળવી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે, જ્યારે 4 ફેબ્રુઆરીએ હવામાન સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ/ હિમ વર્ષાની સંભાવના છે. જ્યારે 5 ફેબ્રુઆરીના રોજ હિમવર્ષાના બીજા રાઉન્ડની પણ શક્યતા છે.
પહેલગામમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો
હિમવર્ષાને કારણે પર્યટન સ્થળ પહેલગામમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને રવિવારે તાપમાન -0.4 ડિગ્રી સેલ્સિયસ સામે -2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કોકરનાગમાં ગઈ રાતની સરખામણીમાં -0.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.