જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, 7 આતંકવાદીઓની સંપત્તિ જપ્ત
શ્રીનગર: જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી (Jammu and Kashmir Police) કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા (Kistwar District)માં સાત આતંકવાદીઓની મિલકતો જપ્ત કરી છે. પોલીસે આ આતંકીઓને ભાગેડુ જાહેર કર્યા છે, આ આતંકવાદીઓ હાલ PoKમાં સક્રિય છે. પોલીસની સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમે કિશ્તવાડમાં વિવિધ સ્થળોએ આતંકવાદીઓની મિલકતો પર સાઈનબોર્ડ લગાવ્યા છે.
આ તમામ આતંકવાદીઓ PoKથી કામ કરી રહ્યા છે, તેમના ઓવરગ્રાઉન્ડ મદદથી તેઓ જમ્મુ અને કાશ્મીરમાં કટ્ટરપંથી પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિકારીએ સાત આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની પુષ્ટિ કરી છે.
Also Read – NIAને મળી મોટી સફળતા: LeTના આતંકવાદીને રવાંડાથી ભારત લાવવામાં આવ્યો
2 દિવસ પહેલા દરોડા પાડવામાં આવ્યા હતા:
ગત મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જમ્મુના ચાર જિલ્લામાં આતંકવાદીઓના 56 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, કાશ્મીર ટાઈગર્સ અને TRF જેવા આતંકવાદી સંગઠનોને સંબંધિત ગ્રાઉન્ડ વર્કર અને શંકાસ્પદ લોકોની ઓળખ કરવા અને તેમને શોધવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, રાજૌરી જિલ્લામાં 9, પુંછમાં 12, ઉધમપુરમાં 25 અને રિયાસી જિલ્લામાં 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે 56 સ્થળો પર કરવામાં આવેલી કાર્યવાહીમાં ટીમે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, દસ્તાવેજો, રોકડ અને અન્ય વસ્તુઓ સાથે મોટા પાયે હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં 10 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. શંકાસ્પદો પર આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ આપવા, માહિતી શેર કરવા અને સિક્યોરિટી ફોર્સની ગતિવિધિઓ પર નજર રાખવાનો આરોપ છે.