જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ અને ભાજપે એક બેઠક જીતી

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં સત્તાધારી નેશનલ કોન્ફરન્સે રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકો જીતી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ચોથી અને અંતિમ બેઠક જીતી છે. જેમાં નેશનલ કોન્ફરન્સના ચૌધરી મોહમ્મદ રમઝાનને પહેલી બેઠક અને સજ્જાદ કિચલૂને બીજી બેઠક પર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જયારે નેશનલ કોન્ફરન્સના ખજાનચી જી. એસ. ઓબેરોય, ત્રીજી બેઠક પર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જયારે ચોથી બેઠક ભાજપના ઉમેદવાર સતપાલ શર્માએ જીતી છે.
સતપાલ શર્મા જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ
ભાજપના સતપાલ શર્માએ રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીનું ખાતું ખોલાવ્યું છે. જે કલમ 370 નાબૂદ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી પ્રથમ રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટી માટે એક મહત્વપૂર્ણ જીત છે. સતપાલ શર્મા હાલમાં જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ છે. તેઓ અગાઉ જમ્મુ અને કાશ્મીર સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ અગાઉ જમ્મુ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. સતપાલ શર્મા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે.
86 ધારાસભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. જેમાં 86 ધારાસભ્યોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. જેમાં અટકાયતમાં લેવાયેલા ડોડાના ધારાસભ્ય મેહરાજ મલિકે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું. પીપલ્સ કોન્ફરન્સના ધારાસભ્ય સજ્જાદ લોન મતદાનથી દૂર રહ્યા હતા. તેમજ 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ કર્યા પછી અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ રાજ્યસભાની ચૂંટણી હતી.



