જમ્મુ-કાશ્મીર હવે ખૂલીને શ્વાસ લઈ રહ્યું છે: મોદી
૩૭૦મી કલમ હટાવ્યા પછી વડા પ્રધાનનો પહેલો કાશ્મીર પ્રવાસ
જમ્મુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ બાદ ગુરુવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા. બખ્શી સ્ટેડિયમ ખાતે એક સભાને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર હવે નવી ઊંચાઈઓને સ્પર્શવાની સાથે સાથે ખૂલીને શ્ર્વાસ લઈ રહ્યું છે. બંધારણની કલમ ૩૭૦ હટાવ્યા બાદ આ શક્ય બન્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો.
વિપક્ષ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે કલમ ૩૭૦ના નામે કૉંગ્રેસ અને તેમના સાથીપક્ષો દાયકાઓ સુધી દેશને ગેરમાર્ગે દોરતા રહ્યા હતા અને અત્યાર સુધી તેેનો ફાયદો માત્ર જમ્મુ-કાશ્મીરને કે પછી ગણતરીના રાજકારણી પરિવારને જ થયો હતો એ વાત આજે જનતા સમજી ગઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં હવે કલમ ૩૭૦ ન હોવાને કારણે યુવાનોની પ્રતિભાનું પૂરું સન્માન થઈ રહ્યું છે અને તેમને નવી તક મળી રહી છે, એમ તેમણે કહ્યું હતું. શ્રીનગરમાં બખ્શી સ્ટેડિયમ ખાતે ‘વિકસિત ભારત. વિકસિત જમ્મુ-કાશ્મીર’ કાર્યક્રમ દરમિયાન મોદીએ રૂ. ૬,૪૦૦ કરોડ કરતા પણ વધુ મૂલ્યના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોદીએ ૧૦૦૦ યુવાનોને નોકરી માટે અપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. ત્યાર બાદ તેમણે આ યુવાનો પાસેથી તેમની સફળતા અને પરિશ્રમની વાતો પણ સાંભળી હતી.
મોદીએ કહ્યું હતું કે ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરની ધરતી પર પગ મૂકતાં જ મેં જે લાગણી અનુભવી હતી તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય એમ નથી. જમ્મુ-કાશ્મીરનું આ નવું સ્વરૂપ છે જેની દાયકાઓ સુધી આપણે રાહ જોઈ હતી. આ જમ્મુ-કાશ્મીર માટે જ શ્યામા પ્રસાદ મુખરજીએ બલિદાન આપ્યું હતું.
જમ્મુ-કાશ્મીર દેશનું મસ્તક છે અને ઊંચુ અને અડગ મસ્તક જ વિકાસ-સમ્માનનું પ્રતીક હોય છે, એમ મોદીએ કહ્યું હતું.
વિદેશમાં લગ્ન કરવાને કારણે એ દેશનું અર્થતંત્ર મજબૂત થાય છે એમ જણાવી મોદીએ લોકોને વૅડ ઈન ઈન્ડિયા-દેશમાં જ લગ્ન કરવાની અપીલ કરી હતી.