નવી દિલ્હીઃ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ પસાર કરવામાં આવ્યા હતા. આ બિલો લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ આ કાયદા બની જશે.
સોમવારે રાજ્યસભામાં આ બિલો રજૂ કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આનાથી ‘નવા અને વિકસિત કાશ્મીર’ની શરૂઆત થઈ છે, જે આતંકવાદથી મુક્ત હશે. જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત આ બે બિલ એવા લોકોને ન્યાય આપશે જે છેલ્લા 75 વર્ષથી તેમના અધિકારોથી વંચિત છે.
જે બિલ પસાર કરવામાં આવ્યા છે તેમાં પહેલું જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારો) બિલ છે, જે વંચિત અને ઓબીસી વર્ગો માટે અનામતની જોગવાઈ કરે છે. જ્યારે, બીજું, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ અને પીઓકેમાંથી વિસ્થાપિત લોકો માટે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરે છે.
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2023:-
આ બિલમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સીટો વધારવાની જોગવાઈ છે. લદ્દાખને અલગ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં 83 સીટો બાકી હતી. આ બિલ કાયદો બન્યા બાદ અહીં 90 બેઠકો હશે. જમ્મુ ક્ષેત્રમાં 43 અને કાશ્મીર ક્ષેત્રમાં 47 બેઠકો હશે. આ 90 બેઠકો ઉપરાંત, બે બેઠકો કાશ્મીરી સ્થળાંતર કરનારાઓ માટે અને એક બેઠક PoKમાંથી વિસ્થાપિત લોકો માટે અનામત રાખવામાં આવશે. કાશ્મીરી ઇમિગ્રન્ટ્સ માટેની બેમાંથી એક સીટ મહિલાઓ માટે હશે. લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કાશ્મીરી સ્થળાંતર કરનારા અને વિસ્થાપિત નાગરિકોને નામાંકિત કરવામાં આવશે.
1 નવેમ્બર, 1989 પછી ખીણ અથવા જમ્મુ અને કાશ્મીરના કોઈપણ ભાગમાંથી સ્થળાંતર કર્યું હોય અને જેમનું નામ રાહત આયોગમાં નોંધાયેલ હોય તેમને કાશ્મીરી પ્રવાસી તરીકે ગણવામાં આવશે આ સાથે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે 16 બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાં 7 સીટો એસસી અને 9 સીટો એસટી માટે રાખવામાં આવી છે. પહેલાની જેમ પીઓકે માટે 24 સીટો હશે. અહીં ચૂંટણી થઈ શકતી નથી. આ રીતે હવે કુલ બેઠકોની સંખ્યા 117 થશે.
જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારો) બિલ, 2023ઃ-
આ બિલમાં SC-ST અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ છે. બિલ અનુસાર, જેમના ગામ LOC અને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે અને સરકારે તેમને પછાત જાહેર કર્યા છે, તેમને સામાજિક અને આર્થિક રીતે પછાત ગણવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને ભાજપ અને પીડીપીએ મળીને સરકાર બનાવી અને મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્ય પ્રધાન બન્યા હતા. મુફ્તી મોહમ્મદ સઈદનું જાન્યુઆરી 2016માં અવસાન થયું હતું. લગભગ ચાર મહિના સુધી રાજ્યપાલ શાસન લાગુ રહ્યું. બાદમાં તેમની પુત્રી મહેબૂબા મુફ્તી મુખ્ય પ્રધાન બન્યા હતા, પરંતુ આ ગઠબંધન લાંબું ચાલ્યું નહોતું અને. 19 જૂન, 2018 ના રોજ, ભાજપે પીડીપી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયું હતું. હાલમાં ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. હવે કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે.