તમિલનાડુમાં Jallikattuની ઉજવણીની શરૂઆત; શ્રીલંકામાં પહેલી વાર આયોજન
ચેન્નઈ: તામિલનાડુના પુડુક્કોટ્ટાઈ જિલ્લામાં પરંપરાગત રીતે આયોજિત થતી આખલાને કાબૂમાં રાખવાની રમત જલ્લીકટ્ટુની આજે શનિવારની સવારે ઉત્સાહભેર શરૂઆત થઇ હતી. થાચનકુરિચી ગામમાં આયોજિત કાર્યક્રમમાં 500 આખલાએ સામેલ હતા, જલ્લીકટ્ટુ જોવા માટે સેંકડો દર્શકોને એકત્ર થયા હતા. સહભાગીઓ ભારે સુરક્ષા વચ્ચે બળદને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
થાચનકુરિચી ઇવેન્ટ રાજ્યના વિવિધ ભાગોમાં આ મહિને આયોજિત થનારી જલ્લીકટ્ટુ સ્પર્ધાઓની શ્રેણીની શરૂઆત છે. જલ્લીકટ્ટુ એ એક વર્ષો જૂની પરંપરા છે જે મોટાભાગે તમિલનાડુ રાજ્યમાં પોંગલ ઉજવણીના ભાગરૂપે ઉજવવામાં આવે છે.
આ વર્ષે શ્રીલંકા ત્રિંકોમાલીમાં પણ પ્રથમ જલ્લીકટ્ટુ ઈવેન્ટનું આયોજન થઇ રહ્યું છે. આ ઇવેન્ટ સવારે 10 વાગ્યે ત્રિંકોમાલીના સેમપુર વિસ્તારમાં શરૂ થઈ હતી, જેમાં 200 થી વધુ આખલાઓ સામેલ હતા. શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નર સેંથિલ થોનાદમને આ કાર્યક્રમના આયોજન માટે આગેવાની લીધી હતી, તેઓ મૂળ તમિલનાડુના શિવગંગાઈ જિલ્લાના છે. જલ્લીકટ્ટુના સાથે તેમના સાંસ્કૃતિક મૂળ જોડાયેલા હોવાથી ગવર્નર થોનાદમએ સીમા પારની આ ઉજવણીનું આયોજન કર્યું હતું, આ ઉજવણી તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચેના સહિયારા વારસાને પણ દર્શાવે છે.
તેમણે કહ્યું કે “અમે જલ્લીકટ્ટુ અને રેકલા રેસ, સિલમ્બમ ફાઈટ, બોટ રેસ, બીચ કબાડીનું આયોજન કરીશું. અમારી પાસે પોંગલ સાથે જોડાયેલી ઘણી ઉજવણીઓ છે જે અહીં થઈ રહી છે. અમને ગર્વ છે કે તમિલ સમુદાય સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પુનઃસ્થાપિત થયા છે. ”
જલ્લીકટ્ટુ દરમિયાન, આખલાઓને લોકોની ભીડમાં છોડવામાં આવે છે, અને સહભાગીઓ ખૂંધ અને શિંગડાને પકડીને આખલાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે. આ રમત બહાદુરી, હિંમત અને ગ્રામીણ ઓળખનું પ્રતીક છે, જે તમિલનાડુના સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ છે.
તાજેતરના વર્ષોમાં, જલ્લીકટ્ટુ પરંપરા વિવાદનો વિષય બની હતી, ખાસ કરીને એનિમલ વેલ્ફેરને લગતી ચિંતાઓને લઈને, દલીલ છે કે આ રમત આખલાઓ પર બિનજરૂરી નુકસાન અને તાણ લાવે છે, જેના કારણે આખલાઓને ઇજા થાય છે અને ક્યારેક મૃત્યુ પણ પામે છે. એનિમલ રાઈટ્સ કાર્યકરો અને સંગઠનો જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મૂકવાની હિમાયત કરી રહ્યા છે.
વર્ષ 2014 માં, સર્વોચ્ચ અદાલતે એનિમલ વેલ્ફેરના મુદ્દાઓને ટાંકીને જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે, આ નિર્ણયને વ્યાપક વિરોધનો સામનો કરવો પડ્યો હતો, લોકોએ એવી દલીલ કરી હતી કે પ્રતિબંધ તેમની સાંસ્કૃતિક પરંપરાઓનું ઉલ્લંઘન છે.
વર્ષ 2017 માં, તમિલનાડુ સરકારે જલ્લીકટ્ટુને મંજૂરી આપવા માટે વટહુકમ પસાર કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે જલ્લીકટ્ટુ એ રાજ્યના સાંસ્કૃતિક વારસાનો આવશ્યક ભાગ છે અને સહભાગીઓ અને બળદ બંનેની સલામતી સુનિશ્ચિત કરવા માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે મે 2023 માં ‘જલ્લીકટ્ટુ’ને મંજૂરી આપતા તમિલનાડુ સરકારના કાયદાને સમર્થન આપ્યું હતું.