SCO: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ ?
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો લગભગ અસ્તિત્વમાં નથી. જો કે આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. એસ. જયશંકર આ વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી એસસીઓ(SCO)એટલે કે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે.
કેટલા વર્ષ પછી પાકિસ્તાન જશે ભારતના નેતા ?
પાકિસ્તાન સાથેના બગડતા સંબંધો વચ્ચે ઘણા વર્ષોથી કોઈ ભારતીય નેતાએ પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત લીધી નથી. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ શરૂ થયો હતો અને પીએમ મોદી 25 ડિસેમ્બર 2015ના રોજ લાહોરમાં નવાઝ શરીફને પણ મળ્યા હતા. આ પછી તત્કાલીન વિદેશ મંત્રી અને હવે દિવંગત નેતા સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યારપછી સરકારના કોઈ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત લીધી નથી.
આ પણ વાંચો : પાકિસ્તાન સાથે માત્ર PoK નો મુદ્દો જ ઉકેલવાનો બાકી છે, યુએનમાં જયશંકરની સાફ વાત…
SCO કોન્ફરન્સ ક્યારે છે?
એસસીઓનું શિખર સંમેલન આ વર્ષના ઓક્ટોબર મહિનામાં જ આયોજિત થવા જઈ રહ્યું છે અને શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. 15-16 ઓક્ટોબરે યોજાનારી આ સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. તેથી એસ. જયશંકર પાકિસ્તાન જશે.
પાકિસ્તાને પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું
ગત ઓગસ્ટના અંતમાં પાકિસ્તાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને SCO બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે તે પછી ભારત તરફથી આ બેઠકમાં કોણ ભાગ લેશે તે જાહેર કરવામાં આવ્યું નથી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદી SCOની બેઠકમાં ભાગ નહીં લે. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
SCO નું મહત્વ શું છે ?
SCO સમિટ પહેલા મંત્રી સ્તરની મંત્રણા અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકોના અનેક રાઉન્ડ યોજાશે. તે સભ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવતાવાદી સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમને જણાવી દઈએ કે SCO એ ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનું એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા જૂથ છે.