કેનેડાના મુદ્દે ભારતીય વિદેશ ખાતાના પ્રધાન જયશંકરે કોની પાસે માંગી સલાહ?
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જ્યારથી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યો છે ત્યારથી કેનેડા અને ભારતના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશો વચ્ચે રાજકીય તણાવ એટવી હદે વધી ગયું છે કે ભારતના વિદેશ ખાતાના પ્રધાન જયશંકરે કેનેડા અને ખાલિસ્તાની મુદ્દે ઓસ્ટ્રેલિયા સાથે ચર્ચા કરી હતી.
જયશંકરે મંગળવારના કેનેડા અને ખાલિસ્તનના મુદ્દે ઓસ્ટ્રેલિયાનાં વિદેશ પ્રધાન પેની વોન્ગ સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ મીડિયા સાથે વાત કરતાં જયશંકરે જણાવ્યું હતું કે આજે મેં ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન સાથે વાત કરી હતી. ઓસ્ટ્રેલિયાના બંને દેશો (ભારત અને કેનેડા) સાથે સારા સંબંધો છે. એટલે આ જરૂરી હતું કે આ બાબતે ઓસ્ટ્રેલિયાનું મત જાણવું જોઈએ.
તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે આ સંદર્ભે મુખ્ય મુદ્દા કેનેડામાં ફેલાઈ રહેલાં ચરમપંથ અને કટ્ટરપંથ છે. મેં ઓસ્ટ્રેલિયાના સમકક્ષો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત અમારી વચ્ચે આતંકવાદ, કટ્ટરવાદ અને ચરમપંથ મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય જસ્ટીન ટ્રુડોએ 19મી સપ્ટેમ્બરના કેનેડાની સંસદમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.