“મહેમાનગતિ માટે આભાર શાહબાઝ શરીફ” પાકિસ્તાનથી પરત ફર્યા એસ. જયશંકર
નવી દિલ્હી: ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન SCO સમિટ માટે પાકિસ્તાન ગયા હતા. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આયોજિત SCOની બેઠક પૂર્ણ થયા બાદ વિદેશ મંત્રી એસ જયશંકર બુધવારે ભારત પરત રવાના થયા હતા. ભારત જતા પહેલા જયશંકરે પાકિસ્તાનના વડાપ્રધાન અને અન્ય અધિકારીઓનો આભાર માન્યો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું, “ઇસ્લામાબાદથી પ્રસ્થાન. વડા પ્રધાન શહેબાઝ શરીફ, નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર અને તેમની આતિથ્ય માટે પાકિસ્તાન સરકારનો આભાર.”
વિદેશ મંત્રી એસ. જયશંકરે ઇસ્લામાબાદમાં યોજાયેલી SCO દેશોના સરકારના વડાઓની પરિષદના 23માં શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. આ સંમેલનની અધ્યક્ષતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કરી હતી. જયશંકર મંગળવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. લગભગ એક દાયકામાં પાકિસ્તાનની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વિદેશ મંત્રી છે.
મંગળવાર સાંજે SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન આવેલા ભારતના વિદેશ પ્રધાન જયશંકર સહિત તમામ મહેમાનોને રાત્રિભોજન માટે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે આમંત્રણ આપ્યું હતું. શાહબાઝ શરીફે ડિનર માટે પહોંચેલા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. આ દરમિયાન એસ જયશંકર અને શાહબાઝ શરીફે પણ હાથ મિલાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.