શેખ હસીનાના બ્રિટન જવાના દરવાજા વિદેશ પ્રધાન એસ. જયશંકર ખોલી શકશે?
નવી દિલ્હી: બાંગ્લાદેશની સ્થિતિએ ભારે તણાવની સ્થિતિ પેદા કરી છે. વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડીને ભારત આવેલા પૂર્વ બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીના હવે કયા જશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને લંડનના દ્વાર તેમના માટે બંધ થઈ ગયા હોવાની પણ ચર્ચા જાગી હતી. ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં તાજેતરના ઘટનાક્રમ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના ભારતમાં આગમનને કારણે સર્જાયેલા તણાવ પછી વિદેશ પ્રધાન એસ જયશંકરે બ્રિટિશ વિદેશ પ્રધાન ડેવિડ લેમી સાથે વાત કરી છે.
વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ દેશ છોડ્યા બાદ શેખ હસીના લંડનમાં રાજકીય આશ્રય લઈ શકે છે એવી અટકળો હતી પરંતુ હાલમાં તે ભારતમાં છે. જો કે બ્રિટને કાર્યવાહી ચાલતી હોય તેને રાજકીય આશ્રય આપવાની વાતને ફગાવી દીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ શેખ હસીનાની આવનારા સમયની યોજનાઓ અંગે કોઈ માહિતી નથી જણાવી. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ યુકેના ગૃહ મંત્રાલયના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે દેશની ઈમિગ્રેશન નીતિ અમુક લોકોને રાજકીય આશ્રય મેળવવા માટે બ્રિટનના પ્રવાસની મંજૂરી આપતી નથી.
આ પણ વાંચો : જાનનું દુશ્મન બનીને બેઠુ છે બાંગ્લાદેશ અને ભારતમાં શોપિંગ કરી રહ્યા છે શેખ હસીના
વિદેશ મંત્રાલય જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા માટે પહેલ કરવામાં આવી છે. આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે તે બાંગ્લાદેશમાં રહેલા ભારતીયોની સુરક્ષા વિષયક સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ કહ્યું હતું કે છે, “અમે ઢાકામાં અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. પરિસ્થિતિ ધીરે ધીરે વિકસિત દિશામાં છે. બાંગ્લાદેશના લોકોના પાડોશી મિત્ર તરીકે અમે ઈચ્છીએ છીએ કે દેશમાં જલ્દીથી શાંતિ થાય અને શક્ય તેટલી વહેલી તકે સ્થિરતા પુનઃસ્થાપિત થાય જેથી જનજીવન ફરી સામાન્ય થઈ શકે અને અમે બાંગ્લાદેશના લોકોના હિતોને આગળ વધારી શકીએ.
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે “બાંગ્લાદેશમાં 9,000 વિદ્યાર્થીઓ સહિત 19,000 લોકો છે. તેમાંથી મોટા ભાગના પરત આવી ગયા છે. હજુ જે ભારતીયો પરત ફરવા માંગે છે તેમને આપણું હાઇ કમિશન તેમને મદદ કરી રહ્યું છે. હવાઈ સેવા પણ કાર્યરત થઈ રહી છે. ઘણા લોકોએ આપના હાઇ કમિશનનો સંપર્ક સાધ્યો છે, આ સિવાય હાઇ કમિશનમાં કામ કરનારા ફરજ બજાવનાર બિન જરૂરી કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યોને લઈને ભારત પરત ફરી ચૂક્યા છે.