નેશનલ

હું સફરજન અને ઓરેન્જની ભેળસેળ નહીં કરું, વિદેશપ્રધાન જયશંકરે કેનેડા અને અમેરિકા વિશે કેમ આવું કહ્યું?

નવી દિલ્હી: ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કેનેડા અને અમેરિકા સાથેના સંબંધોમાં તણાવ પર મોટું નિવેદન આપ્યું છે. આ બંને દેશો વચ્ચેના મોટા તફાવતને સમજાવતા તેમણે કહ્યું કે કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આતંકવાદી અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓને યોગ્ય ઠેરવે છે, જ્યારે અમેરિકા આવું કરતું નથી. તેમણે એક અંગ્રેજી મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં આ વાત કરી હતી

ગયા વર્ષે નવેમ્બરમાં એક ભારતીય નાગરિક પર અમેરિકામાં ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો હતો. જૂનમાં અન્ય ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડાએ ભારતીય ગુપ્તચર એજન્સીઓની સંડોવણીનો આક્ષેપ કર્યાના બે મહિના બાદ વિદેશ પ્રધાનનું આ નિવેદન આવ્યું છે.


જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાએ પન્નુ એપિસોડને જે રીતે હેન્ડલ કર્યો તે યોગ્ય હતો, ત્યારે જયશંકરે જણાવ્યું હતું કે જ્યારે અમેરિકનોને લાગ્યું કે તેમની પાસે કેસ છે, ત્યારે તેઓ અમારી પાસે આવ્યા અને કહ્યું કે જુઓ અમને આ ચિંતાઓ છે અને અમે તે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે જાણો કે શું થઈ રહ્યું છે. જ્યારે કેનેડિયનોએ આવું કર્યું ન હતું.


અમેરિકા અને કેનેડા વચ્ચેના તફાવતને સમજાવતા વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું હતું કે અમેરિકા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ અલગતાવાદી, આતંકવાદી, ઉગ્રવાદી પ્રવૃત્તિઓને યોગ્ય ઠેરવતું નથી. અમે યુનાઇટેડ સ્ટેટ્સને કેનેડા કરતાં સ્વતંત્રતાના દુરુપયોગ પર વધુ કડક વલણ અપનાવતા જોયું છે. કેનેડાએ પણ ઘણી વખત આપણા રાજકારણમાં ખુલ્લેઆમ હસ્તક્ષેપ કર્યો છે. આપણને બધાને પંજાબની ઘટનાઓ યાદ છે. મને લાગે છે કે કેનેડાના વડા પ્રધાનવિશ્વના એકમાત્ર વડા પ્રધાન છે જેમણે આ અંગે જાહેરમાં ટિપ્પણી કરી હતી. હું કહીશ કે અમારી પાસે અહીં સફરજન અને ઓરેન્જ છે અને હું સફરજન અને ઓરેન્જની ભેળસેળ નહીં કરું


નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સરેમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત આક્ષેપ કરે છે કે કેનેડાની રાજનીતિએ ખાલિસ્તાની દળોને જગ્યા આપી છે અને તેમને દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડતી ક્રિયાઓમાં સામેલ થવાની મંજૂરી આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button