Jaipur Tanker Blast:જયપુર- અજમેર હાઇવે દુર્ઘટનામાં અત્યાર સુધી ચારના મોત, 40 વાહનો બળીને ખાખ

જયપુર : જયપુરમાં આજે વહેલી સવારે અજમેર હાઇવે પર એક મોટી દુર્ઘટના(Jaipur Tanker Blast) અને આગની ઘટના બની હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે. તેમજ ટ્રક અને ટ્રોલી સહિત લગભગ 40 વાહનો બળી ગયા છે. પેટ્રોલ પંપ પાસે અનેક વાહનોની ટક્કરથી આગ લાગી હતી. સત્તાવાળાઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો
આ અંગે પોલીસ અધિક્ષક અમિત કુમારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, જયપુરના ભાંકરોટા વિસ્તારમાં એક ભયાનક અકસ્માત અને આગની ઘટના બની હતી. આ અકસ્માત આજે વહેલી સવારે મુખ્ય અજમેર રોડ પર થયો હતો. લગભગ બે ડઝન વાહનોમાં આગ લાગી હતી. ભાંકરોટા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો હતો.
નજીકના ઘણા વાહનોમાં પણ આગ લાગી
એસપી અમિત કુમારે ઉમેર્યું હતું કે, આગ એક પછી એક અનેક વાહનોની અથડામણને કારણે લાગી હતી. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અકસ્માતમાં કદાચ ગેસ ટેન્કર હોવાની આશંકા છે.જેના લીધે આગ વધુ તીવ્ર બની હતી. જેના લીધે નજીકના ઘણા વાહનોમાં પણ આગ લાગી છે. પોલીસ, સિવિલ ડિફેન્સ અને ફાયર બ્રિગેડ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે, જાનહાનિ અંગે ચોક્કસ વિગતો નથી મળી.
જ્યારે જયપુર જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, અને લગભગ 40 વાહનોમાં આગ લાગી છે. ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
સીએમ ભજનલાલ શર્મા ઘટનાસ્થળે પહોંચ્યા હતા
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જયપુર અજમેર એક્સપ્રેસ વે પર થયેલા દુ:ખદ અકસ્માતની નોંધ લીધી છે. સીએમ ભજનલાલ શર્મા ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતની સંપૂર્ણ માહિતી લીધી. તેમજ અધિકારીઓને પીડિતોને મદદ કરવા સૂચના પણ આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જયપુર-અજમેર નેશનલ હાઈવે પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળીને હૃદય ખૂબ જ દુઃખી થયું છે.
આ પણ વાંચો…રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો: જાણો વિપક્ષે શું કર્યા હતા છબરડા?
અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપી
જ્યારે, X પરની એક પોસ્ટમાં, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જયપુર-અજમેર નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ અને કેમિકલ ટેન્કરમાં આગ લાગવાની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. ઘણા અહેવાલો છે કે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.