નેશનલ

‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહેવા બદલ ભાજપના વિધાનસભ્ય સામે ગુનો નોંધાયો! જાણો શું છે મામલો…

જયપુર: પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ગઈ કાલે શુક્રવારે સાંજે રાજસ્થાનના જયપુરમાં કરવામાં આવેલા પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ તંગ બની (Jaipur protest against Pahalgam Attack) ગઈ હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને સ્થિતિ કાબુમાં લીધી હતી, પરંતુ હજુ પણ લોકોમાં રોષનો માહોલ છે. વાતાવરણ ડહોળવા માટે જયપુરના હવા મહેલ મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટી (BJP) વિધાનસભ્ય મહલ બાલમુકુન્દાચાર્ય(Balmukundacharya)ને જવાબદાર માનવામાં આવી રહ્યા છે, તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગઈ કાલે જયપુરમાં પ્રદર્શન દરમિયાન વિધાનસભ્ય બાલમુકુંદ આચાર્યએ તેમના સમર્થકો સાથે એક મસ્જિદની અંદર ઘુસીને સૂત્રોચ્ચાર કર્યા હતાં અને વાંધાજનક પોસ્ટર લગાવ્યા હતાં. શરૂઆતમાં બાલમુકુંદ આચાર્યએ આરોપોને નકારી કાઢ્યા. પરંતુ બાદમાં તેમણે એક વીડિયો પોસ્ટ કરીને લોકોની માફી માંગી હતી.

X

શું છે મામલો?
અહેવાલ મુજબ શુક્રવારે રાત્રે જયપુરના જોહરી બજાર વિસ્તારમાં પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં એક રેલી કાઢવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર, બાલમુકુન્દાચાર્યએ સમર્થકો સાથે જામા મસ્જિદની બહાર અને આસપાસના વિસ્તારોમાં પોસ્ટર ચોંટાડ્યા હતાં. અહેવાલ મુજબ એવો આરોપ છે કે બાલમુકુન્દાચાર્યએ લગાવેલા પોસ્ટરો પર લખેલું હતું કે, “કોણ કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી?” પોસ્ટરમાં એક દાઢીવાળો પુરુષનો ફોટો પણ રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે તેમણે સમર્થકો સાથે મસ્જીદ સામે ‘જય શ્રી રામ’ ના સુત્રોચ્ચાર કર્યા હતાં. ભાજપ વિધાનસભ્ય બાલમુકુન્દાચાર્યના આ ઉશ્કેરણીજનક કૃત્ય બાદ મુસ્લિમ સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો હતો. કેટલાક યુવકોએ માનક ચોક પર બાલમુકુંદ આચાર્ય વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે કાર્યવાહી કરીને સ્થિતિ થાળે પાડી હતી.

PTI

બાલમુકુન્દાચાર્ય સામે કેસ દાખલ:
જામા મસ્જિદ કમિટીના સભ્યની ફરિયાદના આધારે માનક ચોક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. FIRમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે વિધાનસભ્ય બાલમુકુન્દાચાર્ય અને તેમના સમર્થકોએ રાત્રિની નમાજ દરમિયાન મસ્જિદમાં પ્રવેશ કર્યો અને એક સમુદાયને નિશાન બનાવતા સૂત્રોચ્ચાર કર્યા, મસ્જિદની સીડીઓ પર વાંધાજનક પોસ્ટરો ચોંટાડ્યા અને તેમને ધમકી આપી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં બાલમુકુન્દાચાર્ય ‘પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ’ લખેલું પોસ્ટર લઇને ઉભેલા જોવા મળે છે.

બાલમુકુન્દાચાર્યએ શું કહ્યું?
બાલમુકુન્દાચાર્યએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ” પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ગઈકાલે હું સર્વ હિન્દુ સમાજના આહ્વાન પર જયપુરના બડી ચોપડ ખાતે જાહેર આક્રોશ સભામાં જોડાયો અને ત્યાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી. મેં જયપુરમાં મારા ભાઈઓ અને બહેનો સાથે મળીને ‘પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ’ ના નારા લગાવીને આ ઘટનાનો વિરોધ કર્યો.”

વિવાદ બાદ બાલમુકુંદે હરકત બદલ માફી માંગી:
વિવાદ વધ્યા બાદ બાલમુકુંદ આચાર્યએ પોતાના કૃત્ય બદલ દુ:ખ વ્યક્ત કર્યું. એક વિડીયો પોસ્ટ કરીને તેમણે કહ્યું – જો મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય, તો હું દિલગીરી વ્યક્ત કરું છું. આપણે આતંકવાદ સામે એક થઈને ઊભા રહેવું પડશે. આતંકવાદીઓએ અમારા ધર્મ વિશે પૂછ્યા પછી હત્યા કરી અને ધર્મના નામે કાવતરું ઘડવાનો પ્રયાસ કર્યો. આપણે તેમના કાવતરાને સમજવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button