જયપુર : રાજસ્થાનના અજમેર હાઈવે પર એક ભયંકર માર્ગ અકસ્માત(Rajasthan Tanker Blast)સર્જાયો હતો. જેમાં એક સાથે ડઝનબંધ વાહનોમાં આગ લાગી હતી. પહેલા એક સીએનજી ટ્રક અને બીજી ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ ભીષણ અથડામણ બાદ સીએનજી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી એક પછી એક અનેક બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટનો જોરદાર અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 12 થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે.
મુસાફરો મહામુસીબતે બસમાંથી નીચે ઉતર્યા
જ્યારે આજુબાજુના વાહનો પણ અથડાયા હતા. 20થી વધુ વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 12 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.આ અકસ્માતમાં એક બસ પણ ફસાઈ ગઈ હતી. મુસાફરો મહામુસીબતે બસમાંથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવ્યો હતો.
હજુ પણ અનેક વાહનોમાં આગ લાગી છે
આગમાં દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી વાહનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત શુક્રવારે સવારે 5.30 વાગ્યે ભંક્રોટકા ડી ક્લોથોન પાસે સર્જાયો હતો. તેમજ હજુ પણ અનેક વાહનોમાં આગ લાગી છે. પોલીસ અને ફાયર વિભાગ વાહનોમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે.
Also read: અજમેર દરગાહ વિવાદ પર પૂર્વ અધિકારીઓનો PMને પત્ર; કહ્યું “વારસા પર હુમલો….
ટેન્કરમાં ટેક્નિકલ ખામીના કારણે આ અકસ્માત થયાની શક્યતા
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટેન્કરમાં ટેક્નિકલ ખામીના કારણે આ અકસ્માત થયો હોવાની શક્યતા છે. જો કે સાચા કારણો તપાસ બાદ જ જાણવા મળશે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે અને હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. મુસાફરોને અન્ય રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.