જયપુરમાં ભીષણ આગમાં પાંચના મોત, બિહારનો પરિવાર ત્રણ બાળકો સાથે જીવતો સળગી ગયો

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાંથી એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. અહીં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.
જયપુરના વિશ્વકર્મા ખાતે એક દુઃખદ અકસ્માત થયો છે. અહીં એક મકાનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. મૃત્યુ પામેલા લોકો બિહારના રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસે તેમની ટીમને ઘટના સ્થળે મોકલી છે અને તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ બિહારના મધુબનીનો એક પરિવાર અહીં ભાડે રહેતો હતો. રાત્રે જ્યારે ઘરમાં આગ લાગી ત્યારે પરિવારના તમામ સભ્ય નિંદ્રાધીન હતા. આગ લાગતા તેઓ જાગી ગયા હતા, પણ તેમને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. આગથી બચવા માટે તેમણે ઘણા ધમપછાડા કર્યા, પરંતુ ભીષણ આગને કારણે તેઓ જીવતા સળગી ગયા હતા. પડોશીઓને જેવી આ ઘટનાને જાણ થઈ ત્યારે તેમણે ફાયર વિભાગને ફોન કરીને બોલાવ્યો હતો. અગ્નિશમન દળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખો પરિવાર આગમાં હોમાઈ ગયો હતો ફાયર વિભાગના કર્મચારીઓએ આગમાં ભડથું થઈ ગયેલી લાશને બહાર કાઢી હતી અને તમામ લાશોને પોસ્ટમોટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. આગનો કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનાની માહિતી મળતા રાજ્યના મુખ્યપ્રધાન ભજન લાલ શર્માએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એક્સ ‘પર લખ્યું હતું કે વિશ્વકર્મા જયપુરમાં આગને કારણે પાંચ નાગરિકોના અકાળે મૃત્યુના સમાચારે એમના હૃદયને હચમચાવી નાખ્યા છે. હું સર્વ શક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને સ્થાન આપે અને તેમના પરિવારના અન્ય સભ્યોને આ આઘાત કરવાની શક્તિ આપે. હું ઘાયલને ઝડપથી સાજા થવાની પણ પ્રાર્થના કરું છું.