જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ કાળધર્મ પામ્યા
રાજનાંદગાંવ: જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢમાંના ચંદ્રગિરિ તીર્થ ખાતે ‘સંલેખના’ (અનશનવ્રત એટલે કે સંથારો) દ્વારા કાળધર્મ પામ્યા હતા.
ચંદ્રગિરિ તીર્થના એક નિવેદનમાં જણાવાયું હતું કે જૈન ધર્મમાં ‘સંલેખના’ એટલે કે સ્વેચ્છાએ અન્ન, જળનો ત્યાગ કરીને આધ્યાત્મિક રીતે દેહની શુદ્ધિ દ્વારા કાળધર્મ પામવાની ક્રિયા છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે આચાર્ય વિદ્યાસાગર મહારાજે ચંદ્રગિરિ તીર્થ ખાતે
રાતના ૨.૩૫ વાગ્યે ‘સમાધિ’ લીધી હતી.
ચંદ્રગિરિ તીર્થે નિવેદનમાં જણાવ્યું હતું કે જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજ છેલ્લાં છ મહિનાથી અહીં હતા અને થોડાં દિવસથી નાદુરસ્ત તબિયત હતી. તેઓ છેલ્લાં ત્રણ દિવસથી ‘સંલેખના’ કરી રહ્યા હતા એટલે કે તેમણે અન્ન-પ્રવાહીનો ત્યાગ કર્યો હતો.
ચંદ્રગિરિ તીર્થ ખાતે અનુયાયીઓ જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજના અંતિમ દર્શન કરી શકે તે માટે રવિવારે બપોરે એક વાગ્યે ‘યાત્રા’ કાઢવામાં આવી હતી.
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી ગયા વર્ષના અંતમાં યોજાઇ ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી નવેમ્બરે ડોંગરગઢની મુલાકાત લઇને જૈન આચાર્ય વિદ્યાસાગર મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
મોદી, મુખ્ય પ્રધાન વિષ્ણુદેવ સહિતના મહાનુભાવોએ શોક સંદેશા પાઠવ્યા હતા. (પીટીઆઇ)