Top Newsનેશનલ

“જય શ્રીરામ, શંખનાં નાદ”: PM મોદીએ રામ મંદિરના શિખર પર ફરકાવી ભવ્ય ધર્મ ધ્વજા…

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું હતું. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ વડા મોહન ભાગવત સાથે ગર્ભગૃહમાં રામ દરબારમાં અને રામ લલ્લાની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી. અભજિત મુર્હુતમાં પીએમ મોદીએ જન્મભૂમિ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ કર્યું હતું. શંખના દિવ્ય નાદ, વેદોના શ્લોકના નાદ અને જય જય શ્રીરામના નારા સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ પૂર્વે ભવ્ય રોડ શો કર્યો હતો. રામપથ પર મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ વડાપ્રધાનના કાફલા પર સતત ફૂલોની વર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આ પવિત્ર પ્રસંગ માટે વિશેષ વ્રત રાખીને અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે ગઈકાલે ‘એક્સ’ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે શ્રીરામ ભારતવર્ષની આત્મા, ચેતના અને ગૌરવનો આધાર છે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવું તેમના માટે પરમ સૌભાગ્યની વાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભ મુહૂર્તમાં, એટલે કે સવારે ૧૧.૫૨ થી બપોરે ૧૨.૩૫ વાગ્યાની વચ્ચે, શ્રી રામલલાના પવિત્ર મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર પર ભગવા ધર્મ ધ્વજ વિધિવત રીતે ફરકાવ્યો હતો. ધ્વજારોહણ પહેલાં, વડાપ્રધાને રામ મંદિર પરિસરમાં પહોંચીને સપ્ત મંદિરોમાં દર્શન-પૂજનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ધ્વજ ભગવાન શ્રીરામના તેજ, શૌર્ય અને આદર્શોની સાથે આપણી આસ્થા, અધ્યાત્મ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.

જે ધર્મ ધ્વજને મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવ્યો છે, તેને સંરક્ષણ મંત્રાલય (Defence Ministry)ની માર્ગદર્શિકા અનુસાર ખાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ ધ્વજ ગુજરાતના અમદાવાદ સ્થિત એક પેરાશૂટ સ્પેશિયાલિસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ધ્વજનું વજન અંદાજે બે થી ત્રણ કિલોની વચ્ચે છે અને તેને મંદિરના ૧૬૧ ફૂટ ઊંચા શિખર તેમજ ૪૨ ફૂટ ઊંચા ઝંડાના પોલની ઊંચાઈને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે.

આ ધર્મ ધ્વજમાં ત્રણ પ્રતીકોને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૐ ભગવાનના નામનું પ્રતિક છે, કોવિદાર વૃક્ષ કે જે અયોધ્યાનું રાજ્ય વૃક્ષ છે અને સુર્યવંશના પ્રતિક તરીકે સુર્યના પ્રતિકને ધર્મધ્વજમાં સમાવવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ સાથે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની પ્રક્રિયામાં એક નવો માઇલસ્ટોન ઉમેરાયો છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button