મધ્ય પ્રદેશના જબલપુરની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ
જબલપુર: મધ્ય પ્રદેશના જબલપુરની એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 15 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલ મુજબ ખમરિયામાં આવેલી ઓર્ડનન્સ ફેક્ટરીના F-6 સેક્શનમાં એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ.
સૂત્રોના જણાવ્યા અનુસાર કાટમાળ નીચે ઘણા કર્મચારીઓ દટાયા હોવાની આશંકા છે. ઘટના બાદ ફેક્ટરી મેનેજમેન્ટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ પનાચો :દિલ્હીમાં CRPF સ્કૂલ પાસે વિસ્ફોટ, ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા
વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ,એક કર્મચારી હજુ લાપતા છે. ભારતીય સેનાના સેન્ટ્રલ ઈન્ડિયા એરિયા હેડક્વાર્ટરના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 9.45 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે લાપતા કર્મચારી કાટમાળ નીચે ફસાયો હોવાની આશંકા છે અને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે.
ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ફેક્ટરીમાં નેવી માટે બોમ્બ બનાવવા આવે છે. અહેવાલ મુજબ બોમ્બની સ્ટીમ ક્લિનિંગ પ્રક્રિયા દરમિયાન વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તે પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફેક્ટરીની નજીક રહેતા રહેવાસીઓએ જણાવ્યું કે તેઓને લાગ્યું કે તે ભૂકંપ આવ્યો અને ઘણા લોકો તેમના ઘરની બહાર દોડી આવ્યા છે.