ઉચ્ચ આવક ધરવતો દેશ બનવામાં ભારતને વર્ષો વિતી જશે! વિશ્વ બેંકનો અહેવાલ
નવી દિલ્હી: ભારતના અર્થતંત્રએ દુનિયાના સૌથી મોટા પંચ અર્થતંત્ર(Indian Economy)માં સ્થાન મેળવ્યું છે, કેન્દ્ર સરકારે આગામી વર્ષોમાં ભારતના અર્થતંત્રને ટોચના ત્રણ અર્થતંત્રમાં સ્થાન અપાવવા માટે વચન આપ્યું છે. એવામાં ભારતમાં ઓછી માથાદીઠ આવક (Per capita income) ચિંતાનો વિષય છે. તાજેતરમાં વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા એક રીપોર્ટમાં માથાદીઠ આવક અંગે મહત્વના તારણો રજુ કરવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ ભારત સહિત 100 થી વધુ દેશો આગામી કેટલાક દાયકાઓમાં ઉચ્ચ આવક ધરાવતા દેશો બનવામાં ગંભીર અવરોધોનો સામનો કરી રહ્યા છે અને ભારતને માથાદીઠ યુએસની માથાદીઠ આવકના એક ચતુર્થાંશ સુધી પહોંચવામાં લગભગ 75 વર્ષ લાગી શકે છે.
વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ 2024: ધ મિડલ ઈન્કમ ટ્રેપ મુજબ, માથાદીઠ યુએસ આવકના એક ચતુર્થાંશ સુધી પહોંચવા ચીનને 10 વર્ષ અને ઈન્ડોનેશિયાને લગભગ 70 વર્ષથી વધુનો સમય લાગી શકે છે.
પાછલા 50 વર્ષોના ડેટા આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે જેમ જેમ દેશો સમૃદ્ધ થાય છે, તેઓ સામાન્ય રીતે માથાદીઠ વાર્ષિક આવક યુએસ જીડીપીના લગભગ 10% પરના ટેપમાં ફસાય જાય છે, જે આજે USD 8,000 ની સમકક્ષ છે. તે વિશ્વ બેંક દ્વારા મધ્યમ આવક ધરાવતા દેશો તરીકે વર્ગીકૃત શ્રેણીમાં આવે છે.
2023 ના અંતમાં 108 દેશોને મધ્યમ આવક ધરાવતા દેશો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, દરેકની માથાદીઠ વાર્ષિક જીડીપી USD 1,136 થી USD 13,845 ની રેન્જમાં હતી. આ દેશોમાં છ અબજ લોકો વસે છે, જે વૈશ્વની વસ્તીના 75% છે અને દર ત્રણમાંથી બે લોકો અત્યંત ગરીબીમાં જીવે છે.
અહેવાલ મુજબ ભવિષ્યમાં ભૂતકાળમાં કરતાં પણ વધુ કઠોર પડકારો છે, ઝડપથી વૃદ્ધ થઇ રહેલી વસ્તી અને વધી રહેલું દેવું, ભૌગોલિક રાજકીય અને વેપાર તણાવ અને પર્યાવરણને હાની પહોંચાડ્યા વગર આર્થિક પ્રગતિને ઝડપી બનાવવાની વધતી જતી મુશ્કેલીઓ અર્થતંત્રો માટે પડકાર સાબિત થઇ શકે છે.
અહેવાલમાં જણાવવામાં આયુ કે “તેમ છતાં ઘણા મધ્યમ આવકવાળા દેશો હજુ પણ છેલ્લી સદીની નીતિઓનો ઉપયોગ કરી રહ્યા છે, આ દેશો મુખ્યત્વે રોકાણ વધારવા માટે બનાવવામાં આવેલી નીતિઓ પર જ આધાર રાખે છે. આ પ્રથમ ગિયરમાં કાર ચલાવી વધુ ઝડપ મેળવવાના પ્રયાસ કરવા જેવું છે.”
વર્લ્ડ બેંક ગ્રુપના ચીફ ઈકોનોમિસ્ટ અને ડેવલપમેન્ટ ઈકોનોમિક્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઈન્દરમીટ ગીલે જણાવ્યું હતું કે જો આ દેશો જૂની નીતિઓને વળગી રહેશે, તો મોટાભાગના વિકાસશીલ દેશો આ સદીના મધ્ય સુધીમાં વ્યાજબી રીતે સમૃદ્ધ સમાજ બનાવવાની રેસમાંથી નીકળી જશે.
અહેવાલમાં જણાવ્યા મુજબ ઉચ્ચ આવકવાળા દેશોનો દરજ્જો મેળવવા આ દેશોએ ક્રમબદ્ધ અને ક્રમશઃ વધુ પ્રોગ્રેસસીવ નીતિઓ અપનાવવાની જરૂર છે.
1990 થી માત્ર 34 મધ્યમ-આવકની અર્થતંત્રો ઉચ્ચ-આવક ધરવતા અર્થતંત્રોમાં સ્થાન પામ્યા હતા. તેમાંથી ત્રીજા ભાગના દેશોએને કાં તો યુરોપિયન યુનિયનમાં ભળવાનો લાભ મળ્યો હતો, અથવા તો અગાઉ શોધાયેલા પેટ્રોલીયમ સ્ત્રોતોને કારણે આવકમાં વધારો થયો હતો.
.