કર્ણાટકમાં આઇટીના દરોડા: ૯૪ કરોડ રોકડા, ૮ કરોડના ઝવેરાત, ૩૦ મોંઘી ઘડિયાળો જપ્ત
સરકારી કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
નવી દિલ્હી: આવકવેરા વિભાગે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં કેટલાક સરકારી કોન્ટ્રાક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપરને ત્યાં દરોડા પાડીને રૂ. ૯૪ કરોડની રોકડ, રૂ. ૮ કરોડની કિંમતનું સોનું અને હીરાના ઝવેરાત અને વિદેશી બનાવટની ૩૦ લક્ઝરી ઘડિયાળો જપ્ત કરી હોવાનું સીબીડીટીએ જણાવ્યું હતું.
૧૨ ઓક્ટોબરના રોજ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું અને વિભાગ દ્વારા બેંગલુરુ અને તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને દિલ્હીનાં કેટલાંક શહેરોમાં કુલ ૫૫ જગ્યાઓ આવરી લેવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સર્ચ
ઓપરેશન દરમિયાન અંદાજે રૂ. ૯૪ કરોડની બિનહિસાબી રોકડ અને રૂ. આઠ કરોડથી વધુના સોના અને હીરાના ઝવેરાત જપ્ત કરવામાં આવ્યા છે, જે કુલ રૂ. ૧૦૨ કરોડથી વધુ છે.
વધુમાં આરોપી સંસ્થાઓની ઓળખ જાહેર કર્યા વિના જણાવ્યું હતું કે, વિદેશી બનાવટની લગભગ ૩૦ લક્ઝરી કાંડા ઘડિયાળોનો ગુપ્ત ભંડાર એક ખાનગી પગારદાર કર્મચારીના પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે કાંડા ઘડિયાળના વ્યવસાયમાં રોકાયેલા ન હતા. નોંધનીય છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ આવકવેરા વિભાગ માટે નીતિઓ ઘડે છે.