તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના નિવાસસ્થાને આઇટીના દરોડા
હૈદરાબાદઃ તેલંગણા કોંગ્રેસના નેતા લક્ષ્મા રેડ્ડીના નિવાસસ્થાને આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હોવાના અહેવાલ મળે છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ ગુરુવારે કોંગ્રેસ નેતાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
રેડ્ડી રાજ્યમાં ૩૦ નવેમ્બરના યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મહેશ્વરમ વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસના ઉમેદવાર છે. આવકવેરા વિભાગ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મળીને સર્ચ કરી રહ્યું છે.
દરોડાની પ્રતિક્રિયા આપતા તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી(ટીપીસીસી)ના સત્તાવાર પ્રવક્તા ગૌરી સતીશે કોંગ્રેસ ઉમેદવારના ઠેકાણાં પર દરોડા માટે તેલંગાણામાં સતારુઢ બીઆરએસ અને ભાજપ શાસિત કેન્દ્રના આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચ પર આરોપો મૂક્યા હતા.
તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બીઆરએસ અને ભાજપ બન્ને સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેઓ આ પ્રકારના કૃત્યો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને નિરાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીઆરએસ અને ભાજપ એક જ પક્ષ છે. બંને કોંગ્રેસને કઇ રીતે નિયંત્રિત કરવી તેની યોજના બનાવી રહ્યા છે.
તેલંગણામાં ૩૦ નવેમ્બરના યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસ પક્ષને સમર્થન આપવાનું નક્કી કર્યું છે અને તેઓ (બીઆરએસ અને ભાજપ) જનતાની સ્વીકૃતિને પચાવી શક્યા નથી અને તેથી આવા ગતકડાનો આશરો લેવો પડે છે, તેમ ગૌરી સતીશે આક્ષેપ કરતા જણાવ્યું હતું.
શહેરમાં અધિકારીઓ સવારથી બડાંગપેટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ચિગુરિન્થા પારિજાતા નરસિમ્હા રેડ્ડીના પરિસરમાં પણ દરોડા પાડી રહ્યા છે.