કેજરીવાલ માટે રાહત માગવી મોંઘી પડી, કોર્ટે 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો

સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં એક આશ્ચર્યજનક મામલો પ્રકાશમાં આવ્યો હતો. કાયદાનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કોર્ટમાં પહોંચીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને અસાધારણ વચગાળાના જામીન (Extraordinary Interim Bail)ની માંગણી કરતી PIL દાખલ કરી. કોર્ટે તેની અરજી ફગાવી દીધી એટલું જ નહીં તેના પર 75,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અરજદાર પર ઘણી તીખી ટિપ્પણીઓ પણ કરી હતી. કોર્ટે તેમને પૂછ્યું કે શું તેઓ (અરજદાર) સંયુક્ત રાષ્ટ્રનો છે. જો એવું નથી તો તમને વીટોનો અધિકાર કોણે આપ્યો?
અરવિંદ કેજરીવાલના તમામ કેસ હાલમાં વકીલ રાહુલ મહેરા સંભાળી રહ્યા છે. રાહુલ મહેરાએ પિટિશન દાખલ કરનાર વ્યક્તિની ઓળખ કરવાનો પણ ઇનકાર કર્યો હતો. રાહુલ મેહરાએ પૂછ્યું હતું કે પિટિશન દાખલ કરનાર આ વ્યક્તિ કોણ છે? આ એક પ્રચાર અરજી છે, જે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે. આ ખૂબ જ ખેદજનક છે. કોર્ટે અરજદારને પૂછ્યું કે રાહુલ મહેરા મુખ્ય પ્રધાન વતી વકીલાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ યોગ્ય પગલાં લઈ રહ્યા છે. તો પછી તમે તેમને મદદ કરવાવાળા કોણ છો?
કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે, ‘તમને વીટો પાવર કેવી રીતે મળ્યો?’ શું તમે યુનાઈટેડ નેશન્સ (UN)ના સભ્ય છો? હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટના આદેશના આધારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. અરજકર્તા પાસે કેજરીવાલ માટે આવા નિવેદનો કરવા અથવા વ્યક્તિગત બોન્ડ રાખવા માટે કોઈ પાવર ઑફ એટર્ની નથી, તેથી તેની અરજી પાયાવિહોણી છે
અરજકર્તા વતી હાજર રહેલા એડવોકેટે દલીલ કરી હતી કે દિલ્હીના મુખ્ય પ્રધાન ઉપલબ્ધ નથી. મુખ્ય પ્રધાન હોવા છતાં તેઓ જેલમાં છે અને દુનિયા દિલ્હી પર હસી રહી છે. મુખ્ય પ્રધાનની સુરક્ષા મહત્વની છે. તેમને બળાત્કાર, લૂંટ, હત્યા અને લૂંટના આરોપીઓ વચ્ચે રાખવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાનની સુરક્ષા ખૂબ જોખમમાં છે. તેમણે એમ પણ દલીલ કરી હતી કે તેઓ અહીં કેજરીવાલ માટે નહીં, પરંતુ દિલ્હીના કરોડો લોકોના કલ્યાણ માટે જ આવ્યા છે.