નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) આ વર્ષના અંતમાં આવતીકાલે વધુ એક એક ઐતિહાસિક મિશનને સાકાર કરવા જઈ રહ્યું છે. આ મિશનથી ઇસરો અવકાશમાં બે ઉપગ્રહને ડોક કરવાની અથવા મર્જ કરવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે. આ પ્રોજેક્ટને “સ્પેસ ડોકિંગ એક્સપેરીમેન્ટ” (SPADEX) નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ISRO રચશે ઇતિહાસ, PSLV-C60 રોકેટ લોન્ચ પેડ પર પહોંચ્યું
સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ
કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે માહિતી આપતા કહ્યું હતું કે આગામી SPADEX મિશનનો ઉદ્દેશ્ય સંયુક્ત રીતે બે ઉપગ્રહોને અવકાશમાં મૂકવાનો છે, જે એક પડકારસમાન છે જેને માત્ર થોડા જ દેશો પૂર્ણ કરી શક્યા છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) હેઠળ 30 ડિસેમ્બર, 2024ના રોજ અમલમાં મૂકવામાં આવશે અને આ મિશન માટે ઉપયોગમાં લેવાતી સ્વદેશી ટેક્નોલોજીને “ભારતીય ડૉકિંગ સિસ્ટમ” કહેવામાં આવી રહી છે.
શું કરશે કાર્ય?
ISRO અવકાશના નજીકના શૂન્યાવકાશમાં 28,800 કિમી/કલાકની ઝડપે પરિભ્રમણ કરતા બે ઉપગ્રહોને જોડવાનો પ્રયાસ કરશે. આ એક પડકારજનક કાર્ય છે, કારણ કે બંને ઉપગ્રહોને તેમના સંબંધિત વેગને માત્ર 0.036 કિમી/કલાક સુધી ઘટાડવા માટે કાળજીપૂર્વક કદમ ઉઠાવવમાં આવશે. ‘ચેઝર’ અને ‘ટાર્ગેટ’ નામના બે ઉપગ્રહો એકસાથે જોડાઈને અવકાશમાં એક એકમની રચના કરશે.
ક્યારે થશે લોન્ચ?
ISRO 30 ડિસેમ્બર 2024ના રોજ SPADEX લોન્ચ કરશે. આ મિશનમાં PSLV-C60નો ઉપયોગ કરવામાં આવશે, જે ભારતીય સમય અનુસાર 21:58 વાગ્યે શ્રીહરિકોટાથી ઉડાન ભરશે. Spacex એ એક સીમાચિહ્નરૂપ મિશન છે, જે અવકાશયાન ડોકિંગ ટેકનોલોજીમાં ભારતની કુશળતા દર્શાવે છે. Spadex બે સરખા ઉપગ્રહ SDX01 અને SDX02 સ્થાપિત કરશે. દરેક ઉપગ્રહનું વજન લગભગ 220 કિગ્રા છે અને તેઓ એકસાથે પૃથ્વીની ઉપર 470 કિમીની પરિક્રમા કરશે.