નવા વર્ષે ISRO કરશે કમાલ, XPoSat મિશન દ્વારા ખાસ ઉપગ્રહને તરતો મુકશે..
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં જ ISRO કમાલ કરવા જઇ રહ્યું છે. 1 જાન્યુઆરીએ, વર્ષ 2024ના પ્રથમ દિવસે જ ISRO આકાશમાં નવો ઉપગ્રહ તરતો મૂકવા જઇ રહ્યું છે. ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાથી લઇને સૂર્ય મિશન લોન્ચ કરવા સુધીના તમામ મિશનો સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ હવે ISRO XPoSat મિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે.
XPoSat મિશનનું પૂરું નામ એક્સ-રે પોલારિમેટ્રી સેટેલાઇટ છે. તે ભારતનું પ્રથમ પોલારિમેટ્રી મિશન છે. જેના હેઠળ બ્લેકહોલ અને ન્યુટ્રોન તારાઓ પર સંશોધન થશે. ઉપગ્રહને લોન્ચ કરવા માટેના ISROના ખાસ વ્હીકલ PSLV દ્વારા આ ઉપગ્રહને તરતો મુકવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ મિશન માત્ર ભારતનું પ્રથમ સમર્પિત પોલરીમેટ્રી મિશન નથી, પરંતુ 2021 માં લોન્ચ કરાયેલા નાસાના ઇમેજિંગ એક્સ-રે પોલરીમેટ્રી એક્સપ્લોરર (IXPE) પછી વિશ્વનું બીજું મિશન પણ છે. ઉપગ્રહમાં બે મુખ્ય પેલોડ હશે, એક બેંગલુરુ સ્થિત રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RRI) દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને બીજું ISROના UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC), ISRO દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
XPoSat અવકાશમાં સૌથી તેજસ્વી તારાઓને લક્ષ્ય બનાવી તેનો અભ્યાસ કરશે. આ સિવાય તે ન્યુટ્રોન સ્ટાર્સ, પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી અને નોન-થર્મલ સુપરનોવા વિશે પણ માહિતી એકત્રિત કરશે. ISRO આ મિશન દ્વારા સતત 5 વર્ષ સુધી ડેટા એકત્ર કરશે. અવકાશમાં એક્સ-રે પોલેરીમેટ્રી કેવી રીતે કાર્ય કરે છે તેનો અભ્યાસ કરીને ખગોળશાસ્ત્રીઓ પ્રકાશ ક્યાંથી આવે છે અને તે ઊર્જા સ્ત્રોત શું છે તે અંગેના નવા રહસ્યો ઉકેલી શકે છે.